તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Friday, 3rd October 2025
આધાર કાર્ડમાં હવે મોંઘું થયું નામ-સરનામું બદલવું
નામ, સરનામું, મોબાઇલ-નંબર અને જન્મતારીખ અપડેટ કરવા હવે ૫૦ને બદલે ૭૫ રૂપિયા

નવી દિલ્હી તા.૩: આધાર કાર્ડમાં નામ, સરનામું કે ફોટો જેવી વિગતોને બદલવાની ફીમાં વધારો થયો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડની વિગતોમાં ફેરફાર કરવા માટેના ચાર્જમાં ફેરફાર કર્યો છે. આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટેની ફીમાં ૧૫થી ૨૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ૫૦ રૂપિયા સુધીનો ચાર્જ ધરાવતી સર્વિસ પર હવે ૭૫ રૂપિયા સુધી ચાર્જ લાગશે. આ નવા નિયમો ૨૦૨૫ની પહેલી ઑક્ટોબરથી ૨૦૨૮ની ૩૦ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેવાના છે. એ પછી ફરી ફીમાં ફેરફાર કરવામાં આવશે. જોકે નવું આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હજી નિઃશુલ્ક જ છે.
પાંચથી ૭ વર્ષનાં બાળકો અને પંદરથી ૧૭ વર્ષના કિશોરો માટે એક વાર બાયોમેટ્રિક્સ અપડેટ નિઃશુલ્ક રહેશે. આ ઉપરાંત ૧૫ વર્ષના કિશોરો માટે ૨૦૨૬ની ૩૦ સપ્ટેમ્બર સુધી બાયોમેટ્રિક્સ અપડેટની કોઈ ફી નહીં હોય.
જો કોઈ નાગરિક ઘરે બેઠાં-બેઠાં તેના કે પરિવારમાં કોઈના આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માગે છે તો એ સર્વિસની પણ UIDAIએ વ્યવસ્થા કરી છે. ઘેરબેઠાં સર્વિસ મેળવવા માટે ૭૦૦ રૂપિયા ચાર્જ અલગથી આપવો પડશે. ઘેરબેઠાં એક વારમાં એકથી વધારે વ્યક્તિની આધાર વિગતો અપડેટ કરાવવી હશે તો દરેક વ્યક્તિદીઠ ૩૫૦ રૂપિયા વધારાનો ચાર્જ લેવામાં આવશે.
નામ, સરનામું, મોબાઇલ-નંબર અને જન્મતારીખ અપડેટ કરવા હવે ૫૦ને બદલે ૭૫ રૂપિયા. આંખનો બાયોમેટ્રિક કે ફોટો અપડેટ કરવા ૧૦૦ને બદલે ૧૨૫ રૂપિયા.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
