News of Friday, 3rd October 2025
નીતા અંબાણીએ 'દાંડિયા ક્વીન' ફાલ્ગુની પાઠક સાથે ગરબે ઘૂમી કરી નવરાત્રીની ઉજવણી: જિયો વર્લ્ડ સેન્ટર ભક્તિરસમાં ડૂબ્યું

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ નવરાત્રીના પાવન પર્વની ઉજવણી 'દાંડિયા ક્વીન' તરીકે ખ્યાતનામ ગાયિકા ફાલ્ગુની પાઠક સાથે કરી હતી.
મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકે એસ) સ્થિત અતિ ભવ્ય જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત 'રેડિયન્સ દાંડિયા' કાર્યક્રમમાં નીતા અંબાણીએ હાજરી આપીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે નીતા અંબાણી પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હતા. તેમણે મંચ પર ફાલ્ગુની પાઠક સાથે માતાજીની આરતી ઉતારી અને ત્યારબાદ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉલ્લાસથી ભરાઈ ગયું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓએ શ્રીમતી નીતા અંબાણીને ગરબે ઘૂમતા જોઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવું એ આપણી ફરજ છે: નીતા અંબાણી
ખેલૈયાઓને સંબોધિત કરતાં નીતાબહેને જણાવ્યું કે, "નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ તહેવાર આપણને આપણી ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે. ફાલ્ગુની પાઠકે પોતાની કલા દ્વારા ગુજરાતી ગરબાને વિશ્વભરમાં પહોંચાડ્યા છે, તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું." તેમણે વધુમાં ઉમેર્યું કે, "આપણી આવનારી પેઢી પણ આ સાંસ્કૃતિક વારસાને જાણે અને તેને આગળ વધારે તે સુનિશ્ચિત કરવું એ આપણા સૌની જવાબદારી છે. જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આટલા ભવ્ય આયોજન બદલ હું આયોજકોનો આભાર માનું છું."
'દાંડિયા ક્વીન' ફાલ્ગુની
પાઠકનો જલવો યથાવત
ફાલ્ગુની પાઠક, જેઓ દાયકાઓથી નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના દિલો પર રાજ કરે છે, તેમણે પોતાના સુપ્રસિદ્ધ ગીતો જેવા કે 'ચૂડી જો ખનકી', 'મૈંને પાયલ હૈ છનકાઈ', 'ઓઢણી ઓઢુ' અને 'યાદ પિયા કી આને લગી' જેવા અનેક ગીતો પર હજારો ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા. આ વર્ષે 'રેડિયન્સ દાંડિયા' મુંબઈનો સૌથી મોટો ઈન્ડોર ગરબા ઉત્સવ બન્યો છે, જ્યાં સંપૂર્ણ કાર્પેટેડ અને એર-કન્ડિશન્ડ હોલમાં હજારો લોકો રોજ રાત્રે ગરબાની મજા માણી હતી.
આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે પ્રથમ વખત ખાનગી પોડ્સ (ખાનગી જગ્યા)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જૂથો અને પરિવારો ગરબાનો પૂરો આનંદ લઈ શકે.
અન્ય હસ્તીઓની હાજરી
નીતા અંબાણી ઉપરાંત આ કાર્યક્રમમાં બોલિવૂડ અને ટેલિવિઝન જગતની કેટલીક હસ્તીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમની હાજરી અંગે ગોપનીયતા રાખવામાં આવી હતી.
આ ભવ્ય આયોજનમાં ૧૪ જેટલા દિવ્યાંગોએ પણ વ્હીલચેર પર ગરબા કરીને સૌને પ્રેરણા પૂરી પાડી હતી અને ફાલ્ગુની પાઠકે તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ અને બુક માય શો દ્વારા કરવામાં આવ્યું હતું.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
