News of Wednesday, 1st October 2025
કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટઃ ૩૦ દિવસનું બોનસ જાહેર
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કર્મચારીઓને મહત્તમ ૬૯૦૮ રૂપિયાનું બોનસ મળશે એડ-હોક અને કેઝ્યુઅલ કર્મચારીઓને પણ મળશે બોનસ

નવી દિલ્હી તા.૧: ભારતમાં તહેવારોની મોસમની શરૂઆત થતાં જ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણાં મંત્રાલયે સોમવારે એક આદેશ જારી કરીને ગ્રુપ-સી અને બિન-રાજપત્રિત ગ્રુપ-બી કેન્દ્રીય કર્મચારીઓ માટે ૩૦ દિવસના વેતન બરાબર નોન-પ્રોડક્ટિવિટી લિન્ક્ડ (એડ-હોક) બોનસની જાહેરાત કરી છે.
નાણાં મંત્રાલયના આદેશ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કર્મચારીઓને મહત્તમ ૬૯૦૮ રૂપિયાનું બોનસ મળશે. આ બોનસનો લાભ એવા કર્મચારીઓને મળશે, જેઓ ૩૧ માર્ચ-૨૦૨૫ સુધી સેવામાં રહ્યા હોય અને જેમણે ઓછામાં ઓછા ૬ મહિનાની સતત સેવા આપી હોય. આ યોજનામાં કેન્દ્રીય અર્ધસૈનિક દળો અને સશષ દળોના તમામ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પગાર માળખા મુજબ વેતન મેળવતા કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ બોનસનો લાભ મળશે. સરકારે સ્પષ્ટ કહ્યું કે, જે કર્મચારીઓએ આખું વર્ષ સેવા આપી છે, તેમને ૬૯૦૮ રૂપિયાનું બોનસ મળશે. જોકે, જેમણે પૂરા ૧૨ મહિના કામ કર્યું નથી, તેમને પ્રો-રાટા (કામ કરેલા મહિના મુજબ)ના આધારે બોનસની રકમ ચૂકવવામાં આવશે.
કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત, સરકારે એડ-હોક અને કેઝયુઅલ કર્મચારીઓ માટે પણ બોનસ આપવાની જાહેરાત કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત સેવા આપતા કેઝ્યુઅલ કર્મચારીઓને ૧૧૮૪ રૂપિયા બોનસ અપાશે.
એડ-હોક બોનસની ગણતરી માટે સરકારે માસિક પગારની મહત્તમ મર્યાદા ૭૦૦૦ નક્કી કરી છે. બોનસની ગણતરી કર્મચારીના સરેરાશ પગાર અથવા મહત્તમ મર્યાદામાંથી જે ઓછું હશે, તેના ૩૦ દિવસના વેતનના આધારે કરવામાં આવશે. ઉદાહરણ મુજબ જો કોઈ કર્મચારીનો માસિક પગાર ૭૦૦૦ છે, તો ૩૦ દિવસનું બોનસ લગભગ ૬૯૦૭ જેટલું થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને મોટો લાભ થશે અને તહેવારોની આ મોસમમાં તેમના ઘરોમાં ખુશીઓ આવશે.(૩૮.૮)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
