News of Monday, 22nd September 2025
એટલી જાયન્ટ કઢાઈ કે દાળ હલાવવા અર્થમૂવર વાપરવું પડે?
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલા દંદરોઆ ધામમાં પ્રસાદ બનાવવાનો વિડિયો વાઇરલ થયો છે, એમાં એક જાયન્ટ કઢાઈમાં દાલ મખની બની રહી છે

ભિંડ,તા.૨૨: મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલા દંદરોઆ ધામમાં પ્રસાદ બનાવવાનો વિડિયો વાઇરલ થયો છે. એમાં એક જાયન્ટ કઢાઈમાં દાલ મખની બની રહી છે. એની સપાટી પર ખૂબબધું તેલ તરી રહ્યું છે અને દાલ મખની હલાવવા માટે તેમ જ એમાંથી બીજા વાસણમાં કાઢવા માટે અર્થમૂવર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખુલ્લા મેદાનમાં અર્થમૂવર મશીનનો જાયન્ટ હાથો દાળના વાસણમાં ફરે છે એ જોઈને દંગ રહી જવાય. પહેલી નજરે તો આ સાચું હશે કે કેમ એની શંકા જાગે. જોકે ડો. શીતલ યાદવ નામનાં ડોક્ટરે આ વિડિયો શેર કરીને એ દંદરોઆ ધામનો છે એવું કહ્યું છે. તેમણે લખ્યું છે કે ‘જો આ રીતે પ્રસાદ બનતો હોય તો-તો બીમાર થવાનું પાક્કું જ છે. આ જોઈને કોઈને શક નહીં હોય કે ભારતને કેમ બીમારીઓનો ગઢ ગણવામાં આવે છે. આ પ્રસાદ નથી, ઝેર છે જે ભક્તોમાં વહેંચાશે.'
જે અર્થમૂવરના હાથમાં આપણે ધૂળ, માટી, સિમેન્ટ અને કચરો જ ઊપડતો જોયો છે એનાથી ખાવાનું હલાવાય એ ચિંતાનો વિષય તો છે જ. દંદરોઆમાં પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને તેમના માટે મોટા પાયે પ્રસાદ બનાવવામાં આવે છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
