News of Monday, 22nd September 2025
અફઘાનિસ્તાનમાં મહિલાઓએ લખેલાં પુસ્તકો ભણાવવા પર પ્રતિબંધ
શરિયા સિદ્ધાંતોથી વિપરીત ગણાવીને ૧૮ વિષયો ભણાવવા પર પણ બેન : અમુક પ્રાંતમાં વાઇ-ફાઇ પર પણ બૅન

કાબુલ, તા.૨૨: અફઘાનિસ્તાનમાં લોકોને અનૈતિક આચરણથી બચાવવા માટે તાલિબાને ફાઇબર ઑપ્ટિક ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી મહિલાઓએ લખેલાં પુસ્તકો હટાવી દીધાં છે. આ નવા પ્રતિબંધ અંતર્ગત માનવઅધિકાર અને યૌન-ઉત્પીડનના શિક્ષણને પણ ગેરકાનૂની ઘોષિત કરી દીધું છે.
મહિલાઓ દ્વારા લખાયેલાં લગભગ ૧૪૦ પુસ્તકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુનિવર્સિટીનું કહેવું છે કે હવે ૧૮ વિષયો ભણાવવાની અનુમતિ નથી રહી. એક તાલિબાન અધિકારીએ કહ્યું હતું કે જે વિષયો શરિયા ધર્મના સિદ્ધાંતો અને વ્યવસ્થાની નીતિથી વિપરીત છે એ ભણાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુસ્તકોની સમીક્ષા કરનારી સમિતિના એક સદસ્યએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે મહિલાઓએ લખેલાં પુસ્તકો ભણાવવાની પરવાનગી નથી. ૨૦૨૧ના ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની પૂર્ણ વાપસી પછી સત્તાની કમાન સંભાળનાર તાલિબાને પહેલી વાર આ પ્રકારનો પ્રતિબંધ લાગુ કર્યો છે. ઉત્તર અફઘાનિસ્તાનના કેટલાક પ્રાંતોમાં વાઇ-ફાઇ ઇન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે, જ્યારે મોબાઇલથી લિમિટેડ નેટવર્ક વાપરી શકાશે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
