તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
હાંશ... હેલ્મેટ કાયદાની કડક અમલવારી નહી થાય
શહેરમાં પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં ફાટી નીકળેલા રોષ અને પ્રજાના પ્રતિ નિધિઓની રજૂઆત બાદ સરકાર નરમ પડીઃ પોલીસ હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા લાવશેઃ હેલ્મેટ પહેરેલા લોકોને પોલીસ ફૂલથી સન્માન કરશેઃ અમલ શરૂઃ રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગઢ - રમેશ ટીલાળા - ડો.દર્શિતા શાહની ગૃહમંત્રી સમક્ષ સફળ રજૂઆતઃ રાજકોટ કોર્પોરેશન ચૂંટણી તદ્ન ઢૂકડી છે ત્યારે હેલ્મેટ ફરજીયાત પહેરાવવાની કસરત ભાજપ માટે બૂમરેંગ થાય તેવી ભીતિથી રાતોરાત ઝૂંબેશ થંભી ગઈ!!! રાજકોટ બંધના એલાન માટે પણ હિલચાલ શરૂ થઇ હતી?

રાજકોટ તા.૯: સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારે આપવામાં આવેલા આદેશ અન્વયે રાજ્યના ગૃહવિભાગના નિર્દેશથી ગઈકાલથી રાજકોટમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ કરવામાં આવ્યા બાદ ઠેરઠેર પોલીસ-વાહન ચાલકો વચ્ચે બબાલ અને આ સામે ફાટી નીકળેલા પ્રચંડ રોષને ધ્યાને રાખી રાજ્ય સરકારે આખરે કુણું વલણ અપનાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. શહેરમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારી બે મહિના સુધી મોકુફ રાખવા ગૃહખાતુ તૈયાર થયું છે. રાજકોટના ધારાસભ્યો આજે આ બાબતે ગૃહમંત્રીને મળ્યા હતાં અને મુશ્કેલી વર્ણવી હતી. જેના અનુસંધાને વાહન ચાલકોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ દંડ કે કોઈ કાર્યવાહી નહી કરે પણ હેલ્મેટના ફાયદા અંગે લોકજાગૃતિ કેળવશે.
ફરજીયાત હેલ્મેટ પહેરાવવાના આકરા પોલીસ પગલા અને દંડ ઝીંકવા માટે સેંકડો પોલીસના ધાડા ઉતારી દેવાતા રાજકોટ પ્રજાનો ભાજપ શાસન અને શહેરના ચારેય ધારાસભ્યો, શહેર પ્રમુખ હોદેદારો વિરૂધ્ધ પ્રચંડ આક્રોશ ફાટી નિકળ્યો છે.
ત્યારે આગમના એંધાણ પારખી રાજકોટના વરિષ્ઠ ધારાસભ્ય, પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડ, રાજકોટના મોટા ગજાના બિલ્ડર-ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા અને ભાજપ મહિલા અગ્રણી ડો. દર્શિતાબેન શાહ સાથે ગૃહપ્રધાન હર્ષભાઇ સંઘવીને મળ્યા હતા.
શ્રી ઉદય કાનગડે આજે બપોરે ૧ વાગે અકિલાને ટેલિફોનિક જણાવ્યું કે હર્ષભાઇસાથેની વાતચીતમાં અને હેલ્મેટ પહેરાવવા માટે આકરા દંડ અને ભારે કડકાઇ દાખવવામાં આવે છે તેને બદલે ૨ ૨ મહિના માટે પ્રજામાં, ટુ વ્હીલર વાહન ચાલકોમાં જાગૃતિ- અવેરનેસ આવે તેવી ઝુંબેશ શરૂ કરવા અને જેમણે હેલ્મેટ પહેરી હોય તેમને ફૂલ આપી સ્વાગત કરવા પોલીસ તંત્રને સૂચના આપવા માગણી કરી હતી.
કાનગડે અકિલાને વિશેષમાં જણાવેલ કે આ બાબતનો અમલ રાજકોટમાં સવારથી જ થઇ ગયો છે. હેલ્મેટ ધારકોને પોલીસ ફુલ આપી સન્માન કરી રહી છે, જે ગઇકાલ સુધી આકરી કાર્યવાહી કરી ૫૦૦-૫૦૦ના દંડના ચલણ આપવામા આવતા હતા. આજથી જ તંત્ર દ્વારા હેલ્મેટ અંગે આકરા દંડ વસૂલવાનું બંધ થઇ ગયેલ છે.
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી તદન નજીક આવી પહોંચી છે ત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટી આ આમ જનતાને સ્પર્શતા આ મુદા સાથે મેદાનમાં ઉતરી પડતા ભાજપ સફાળો જાગૃત બની ગયેલ અને ઝૂંબેશ હાલતૂર્ત બંધ કરાવી ફુલ આપવાનું શરૂ કરેલ છે. લોકોમાં ભારે આヘર્ય મિશ્રત રોષ જોવા મળી રહ્યો છે.
ચોમાસા દરમિયાન ફરજીયાત હેલ્મેટના અમલથી લોકો ત્રહિમામ બની ગયેલ.
દરમિયાન હેલ્મેટ વિરોધી સત્યાગ્રહ સમિતિના નેજા હેઠળ આગામી દિવસોમાં હેલ્મેટના આકરા અમલમાં વિરોધમાં ત્રણે પક્ષોના પ્રજાના સેવકોના નિવાસે ધરણા અને રાજકોટ બંધ સહિતના કાર્યક્રમો આપવા વિચારણા કરી રહ્યાનું પણ જાણવા મળે છે. આ અંગે સમિતિના અગ્રણી હર્ષિલ પી.શાહના નેજા હેઠળ હિલચાલ શરૂ થયાનું જાણવા મળે છે.(૩૮.૨૮)
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
