News of Saturday, 6th September 2025
આગામી G20 સમિટનું આયોજન ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં! : અમેરિકા 2026માં ડૉરલ, ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાં વૈશ્વિક નેતાઓની બેઠક યોજશે : ટ્રમ્પ 'એક પણ રૂપિયો નહીં કમાય' તેવો દાવો!
G20 સમિટમાં હવે માત્ર મુખ્ય આર્થિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે : રશિયાના પુતિન, ચીનના જિનપિંગ અને ભારતના PM મોદીને 2026ના પ્રારંભમાં આમંત્રણ મોકલાશે : વહીવટી ખર્ચ યજમાન દેશો પાસેથી વસૂલાશે : રાજકીય વિરોધીઓ દ્વારા નૈતિકતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા

વોશિંગ્ટન : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 2026માં યોજાનારી G20 સમિટ તેમના માલિકીના ડૉરલ, ફ્લોરિડા ખાતેના ગોલ્ફ રિસોર્ટમાં યોજાશે. તેમણે આ સ્થળને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ માટે 'શ્રેષ્ઠ સ્થાન' ગણાવ્યું હતું. જોકે, તેમણે સાથે એમ પણ ભારપૂર્વક જણાવ્યું કે તેમનો પરિવાર આ નિર્ણયથી કોઈ આર્થિક લાભ નહીં મેળવે.
સમિટનો ખર્ચ અને ટ્રમ્પનો દાવો:
અધિકારીઓએ જણાવ્યું છે કે સમિટમાં ભાગ લેનારા દેશો પાસેથી ગોલ્ફ રિસોર્ટ દ્વારા 'એટ-કોસ્ટ' (ખર્ચ મુજબ) બિલ વસૂલવામાં આવશે. આ નિર્ણયને કારણે વિરોધ પક્ષો દ્વારા ટ્રમ્પ પર સત્તાનો દુરુપયોગ કરી પોતાના અંગત વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગી રહ્યો છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢતા કહ્યું, "અમે તેના પર કોઈ પૈસા કમાઈશું નહીં. હું માત્ર ઈચ્છું છું કે તે સારી રીતે થાય." તેમણે ઉમેર્યું કે દરેક પ્રતિનિધિમંડળ માટે અલગ બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવશે અને ડૉરલની એરપોર્ટ નજીકની લોકેશનને કારણે તે આદર્શ સ્થળ છે.
સમિટમાં ફેરફાર અને વિવાદ:
વ્હાઇટ હાઉસના નિર્ણય મુજબ, G20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે અને માત્ર મુખ્ય આર્થિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 2009માં પિટ્સબર્ગમાં યોજાયેલી સમિટ પછી અમેરિકા પ્રથમ વખત G20ની યજમાની કરી રહ્યું છે. અગાઉ, પોતાના પ્રથમ કાર્યકાળમાં પણ ટ્રમ્પે આ જ ક્લબમાં વૈશ્વિક સમિટનું આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંતરિક ટીકાઓને કારણે તેમણે પીછેહટ કરવી પડી હતી.
અન્ય મહાનુભાવોની પ્રતિક્રિયા:
મિયામીના મેયર ફ્રાન્સિસ સુઆરેઝે આ નિર્ણયને તેમના શહેર માટે 'વૈશ્વિક નકશા પર સ્થાન' મેળવનાર ગણાવ્યો અને કહ્યું કે તે શહેરના અર્થતંત્ર માટે પણ એક મોટો લાભ છે. તેમણે વ્યંગમાં કહ્યું, "જેમ કે પ્રમુખ જાણે છે, તેમની પાસે બહુવિધ હોસ્પિટાલિટી સંપત્તિઓ છે."
ટ્રમ્પે એ પણ જાહેરાત કરી કે તેઓ આ વર્ષની દક્ષિણ આફ્રિકામાં યોજાનારી G20 સમિટમાં ભાગ નહીં લે, અને તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મોકલશે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
