<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

અન્‍ય પુરુષ સાથે રહેતી પત્‍ની ભરણપોષણની હકદાર નથી

દિલ્‍હીની કોર્ટે આપ્‍યો ચુકાદોઃ પત્‍ની વ્‍યભિચારમાં રહેતી હતી તથા વિવાહ દરમિયાન પતિ પ્રત્‍યે વફાદાર નહોતી

 

નવી દિલ્‍હી તા.૬: દિલ્‍હીની એક કોર્ટે એક મહિલાની નાણાકીય મદદની માગવાળી અરજીને ફગાવી દેતા કહ્યું કે, વ્‍યભિચારમાં રહેતી પત્‍ની પોતાના પતિ પાસેથી કોઈ પણ પ્રકારનું ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. ફેમિલી કોર્ટના જજ નમૃતા અગ્રવાલે મહિલાની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા, જેમાં કહેવાયું હતું કે અલગ રહેતો પતિ કાયદાકીય અને નૈતિક રીતે ભરણ-પોષણ આપવા માટે બાધ્‍ય છે, પણ તે જાણી જોઈને તેને નજરઅંદાજ કરી રહ્યો છે.

કોર્ટે ૨૦ ઓગસ્‍ટના આદેશમાં કહ્યું કે, બીજી કોર્ટે મેમાં દંપત્તિને આ આધારે છૂટાછેડા આપી દીધા હતા કે પત્‍ની વ્‍યભિચારમાં રહેતી હતી તથા વિવાહ દરમિયાન પતિ પ્રત્‍યે વફાદાર નહોતી. તેણે કહ્યું કે, પૂર્વવર્તી કોર્ટે ડીએનએ પરીક્ષણ રિપોર્ટ પર વિશ્વાસ કર્યો હતો, જેનાથી જાણવા મળે છે કે ભલે મહિલા તેના એક બાળકની જૈવિક મા છે, પણ પતિ તેનો જૈવિક પિતા નથી.

કોર્ટે કહ્યું કે, ડીએનએ પરીક્ષણ રિપોર્ટ અને નિર્ણયને અરજીકર્તા દ્વારા અત્‍યાર સુધી પડકાર નથી આપ્‍યો, જેનો અર્થ એ છે કે તે વ્‍યભિચારમાં રહેવાની વાત સ્‍વીકારે છે. તેણે કહ્યું કે, પત્‍ની પર પોતાની સાસુની હત્‍યાનો આરોપ લગાવ્‍યો અને તેના પર કેસ ચલાવ્‍યો, તે લગભગ ચાર વર્ષ સુધી જેલમાં રહી, પણ બાદમાં તેને મુક્‍ત કરી દીધી અને તેના મુક્‍ત કરવાના આદેશને દિલ્‍હી હાઈકોર્ટમાં પડકાર આપ્‍યો છે.

કોર્ટે કહ્યું કે, આ પ્રકારે પક્ષોની જુબાની સાથે સાથે પૂર્વવર્તી કોર્ટ દ્વારા પાસ નિર્ણયના આધાર પર, આ સ્‍થાપિત થાય છે કે પ્રતિવાદી (પત્‍ની) વ્‍યભિચારમાં રહે છે અને દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૧૨૫ (૪) અનુસાર, જો કોઈ પત્‍ની વ્‍યભિચારમાં રહે છે તો તે પોતાના પતિ પાસેથી કોઈ પણ પ્રકારના ભરણ પોષણની હકદાર નથી.

તેમાં કહેવાયું છે કે, આમ પણ પત્‍ની કોઈ અન્‍ય વ્‍યક્‍તિ સાથે રહે છે, તેની પાસે વિવિધ સંપત્તિઓ છે, જેમાં તે પૂરતી આવક અર્જિત કરી રહી છે અને તેના પર બાળકોના ભરણ પોષણની કોઈ જવાબદારી નથી, કારણ કે પતિ જ તેનો ખર્ચો ઉઠાવી રહ્યો છે.(૩૮.૨)

 

(10:06 AM IST)