<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

પાકિસ્તાનમાં ફરી મોટી ટ્રેન દુર્ઘટના :પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ : એક વ્યક્તિનું મોત : 20 થી વધુ લોકો ઘાયલ

લોધરન રેલ્વે સ્ટેશન નજીક પેશાવરથી કરાચી જતી મુસાફરોથી ભરેલી એક પેસેન્જર ટ્રેનના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટી ટ્રેન દુર્ઘટના જોવા મળી છે. રવિવારે એક પેસેન્જર ટ્રેનના 4 ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં 1 મુસાફરનું મોત નીપજ્યું છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2 ની હાલત ખૂબ જ ગંભીર છે. આ અકસ્માત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. લોધરન રેલ્વે સ્ટેશન નજીક મુસાફરોથી ભરેલી એક પેસેન્જર ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માત થયો ત્યારે આ ટ્રેન પેશાવરથી કરાચી જઈ રહી હતી.
આ અકસ્માતમાં ટ્રેનના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને તેમને ભારે નુકસાન થયું હતું. ટ્રેનમાં ફસાયેલા લોકોને કોઈક રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોધરનના ડેપ્યુટી કમિશનર ડૉ. લુબના નઝીરના જણાવ્યા અનુસાર, અન્ય 2 લોકોની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માત પછી, આ રૂટ થોડા કલાકો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ટ્રેનોની અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે.

ગયા સોમવારે પણ મુસા પાક એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાં 5 મુસાફરો ઘાયલ થયા હતા. આ પહેલા લાહોરથી ઇસ્લામાબાદ જતી ઇસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં 30 મુસાફરો ઘાયલ થયા હતા.

(4:55 PM IST)