News of Thursday, 14th August 2025
પંજાબમાં સ્વતંત્રતા દિવસ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ : પાકિસ્તાની આતંકવાદી 'રિંદા' સાથે જોડાયેલા BKIના બે આતંકી ઝડપાયા
ફિરોઝપુર સરહદી વિસ્તારમાંથી કાઉન્ટર ઈન્ટેલિજન્સ દ્વારા ધરપકડ : આતંકીઓ પાસેથી હથિયારો અને પાકિસ્તાની સિમ કાર્ડ મળી આવ્યા : રાજ્યભરમાં સુરક્ષા સઘન કરાઈ

ફિરોઝપુર: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પંજાબમાં એક મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. ફિરોઝપુર કાઉન્ટર ઈન્ટેલિજન્સે પાકિસ્તાન સ્થિત ISI-સમર્થિત આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે 'રિંદા'ના નેટવર્ક સાથે જોડાયેલા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) ના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
ગુપ્તચર એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માહિતી મળી હતી કે BKIના આ સભ્યો ફિરોઝપુરના સરહદી વિસ્તારમાં છુપાયેલા છે અને સ્વતંત્રતા દિવસ દરમિયાન પંજાબમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. આ માહિતી મળતા જ કાઉન્ટર ઇન્ટેલિજન્સની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા.
પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે આ બંને આતંકવાદીઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરતા હતા. તેમને વિદેશથી ડ્રોન મારફતે હથિયારો અને અન્ય સામગ્રી પૂરી પાડવામાં આવતી હતી. આ આતંકીઓ પંજાબમાં 'ટાર્ગેટ કિલિંગ' અને અન્ય હિંસક પ્રવૃત્તિઓ કરવાની પણ યોજના ધરાવતા હતા. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ, પાંચ કારતૂસ (રાઉન્ડ) અને એક પાકિસ્તાની સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તેમના અન્ય સાથીદારોને પકડવાના પ્રયાસો ચાલુ છે. સુરક્ષા એજન્સીઓની આ સફળતાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
