News of Thursday, 14th August 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજ્યોના મુખ્ય સચિવો સાથેની વાર્ષિક બેઠકની તૈયારીઓ શરૂ : કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને યોજી વર્ચ્યુઅલ બેઠક
યુએસ દ્વારા 50%થી વધુ ટેરિફ લાદવાના મુદ્દા પર વિશેષ ધ્યાન : વિકસિત ભારતના નિર્માણ માટે માનવ સંસાધન અને શાસન સુધારણા પર થશે ચર્ચા : ગુજરાત સહિત રાજ્યોને રિપોર્ટ સુપરત કરવા સૂચના

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે નવેમ્બરમાં યોજાનારી વાર્ષિક પરિષદ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ બેઠક પહેલાં, કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને રાજ્યોના ટોચના અમલદારો સાથે એક વર્ચ્યુઅલ બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ વર્ષની બેઠકને અભૂતપૂર્વ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, ખાસ કરીને યુએસ દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% થી વધુ ટેરિફ લાદવામાં આવ્યા બાદ. આ ટેરિફની સૌથી વધુ અસર નિકાસ કરતા MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ધરાવતા રાજ્યો પર થવાની શક્યતા છે.
વાર્ષિક બેઠકનું મુખ્ય કેન્દ્રબિંદુ સહકારી સંઘવાદની ભાવનાથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ, શાસનમાં સુધારા અને આધુનિક વહીવટી તંત્રને પ્રોત્સાહન આપવાનું રહેશે. આ વર્ષની પાંચમી બેઠકનું મુખ્ય થીમ 'વિકસિત ભારત માટે માનવ સંસાધનનું નિર્માણ અને ઉપયોગ' (Human Capital for Viksit Bharat) રહેવાની શક્યતા છે.
શાસન સુધારણા અને જૂના કાયદાઓ પર ધ્યાન:
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટ સચિવ સોમનાથને વર્ચ્યુઅલ બેઠકમાં જૂના અને અપ્રચલિત કાયદાઓને હટાવવાની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યોને અસરકારક શાસન સુધારણામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા પર ભાર મૂક્યો અને શાસનના મુદ્દાઓ પર સમયસર રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું હતું. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો પરની પ્રગતિનો રિપોર્ટ પણ સંકલિત કરીને અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે.
MSME અને શિક્ષણ પર વિશેષ ફોકસ:
આ બેઠકમાં ખાસ કરીને દેશમાં વ્યાપાર સુગમતા (Ease of Doing Business) સુધારવા માટે જૂના કાયદાઓમાંથી મુક્તિ અપાવવા પર પણ ચર્ચા થશે. આ સાથે, શિક્ષણ ક્ષેત્રે 'લાઈફ સાઈકલ' અભિગમ અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. રાજ્યોને તેમના પ્રદેશોમાં શિક્ષણની વર્તમાન સ્થિતિ, પડકારો અને ગુણાત્મક સુધાર માટે સમયબદ્ધ કાર્યયોજનાઓ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આ વાર્ષિક બેઠક 2022માં ધર્મશાળા ખાતે શરૂ થઈ હતી. આ બેઠક રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને ગતિ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
