<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

લિએન્ડર પેસના પિતા વેસ પેસનું નિધન: 1972ના ઓલિમ્પિકમાં હોકીમાં અપાવ્યો હતો બ્રોન્ઝ મેડલ

વેસ પેસ લાંબા સમયથી બીમાર હતા. તેમણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી :ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસના પિતા વેસ પેસનું ૮૦ વર્ષની વયે અવસાન થયું. વેસ પેસ લાંબા સમયથી બીમાર હતા. તેમણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે વેસ પેસ ૧૯૭૨ના મ્યુનિક ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમનો ભાગ હતા.

વેસ પેસ લાંબા સમયથી ભારતીય રમતો સાથે સંકળાયેલા હતા. તેમની દેખરેખ હેઠળ ઘણા ખેલાડીઓને વિવિધ રમતોમાં ડેબ્યૂ કરવાની તક મળી. વેસે ભારતીય રમતો માટે ઘણું કામ કર્યું. તેઓ ભારતીય હોકી ટીમમાં મિડફિલ્ડર પદ પર રમતા હતા. આ ઉપરાંત તેમણે ફૂટબોલ, ક્રિકેટ અને રગ્બી જેવી અન્ય રમતોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો.

વેસ પેસ 1996 થી 2002 સુધી ભારતીય રગ્બી ફૂટબોલ યુનિયનના પ્રમુખ હતા. તેઓ સ્પોર્ટ્સ મેડિસિન ડોક્ટર પણ હતા. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ, ભારતીય ક્રિકેટ બોર્ડ અને ભારતીય ડેવિસ કપ ટીમ સહિત ઘણી રમત સંસ્થાઓ સાથે તબીબી સલાહકાર તરીકે પણ કામ કર્યું છે.

વેસ વિશ્વના સૌથી જૂના સ્પોર્ટ્સ ક્લબોમાંના એક, કલકત્તા ક્રિકેટ અને ફૂટબોલ ક્લબના પ્રમુખ હતા. તેમણે ભૂતપૂર્વ ભારતીય બાસ્કેટબોલ ખેલાડી અને બંગાળી કવિ માઈકલ મધુસુદન દત્તની પ્રપૌત્રી જેનિફર ડટન સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર લિએન્ડર પેસે પણ ટેનિસમાં ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો છે. તેઓ ભારતમાં એકમાત્ર પિતા-પુત્રની જોડી છે જેમણે ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો છે. લિએન્ડર પેસે 1996ના ઓલિમ્પિકમાં ટેનિસ (સિંગલ્સ) માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(12:21 PM IST)