<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

જમ્મુ-કાશ્મીર હાઈ એલર્ટ પર: ઘૂસણખોરી કરી આવેલા આતંકીઓ સુસાઇડ હુમલાની ફિરાકમાં

ગુપ્તચર સંસ્થાઓ દ્વારા મળેલી માહિતી મુજબ, આ આતંકીઓ ફિદાયીન હુમલાઓ દ્વારા મોટા નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.

શ્રીનગર/જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી કેટલાક આતંકવાદીઓ સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવામાં સફળ થયા હોવાનું મનાઈ રહ્યું છે. ગુપ્તચર સંસ્થાઓ દ્વારા મળેલી માહિતી મુજબ, આ આતંકીઓ ફિદાયીન હુમલાઓ દ્વારા મોટા નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમના નિશાના પર જમ્મુ-પઠાણકોટ હાઈવે પરના સૈનિક સંસ્થાનો અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી પસાર થતી રેલવે લાઈન હોવાનું કહેવાય છે.

 

આ ઘટનાક્રમ બુધવારે ઉત્તરી કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યા બાદ પ્રકાશમાં આવ્યો છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હુમલો પાકિસ્તાની સેનાએ કરાવ્યો છે. 

ઘૂસણખોરી અને સેનાની કાર્યવાહી

ઉરીમાં અથડામણ બાદ ભારતીય સેનાએ તે વિસ્તારમાં આતંકીઓની શોધખોળ માટે મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. 

 

પાકિસ્તાની સેનાએ વરસાદ અને નદી-નાળાઓમાં આવેલા પૂરનો લાભ ઉઠાવીને આતંકીઓના જૂથોને આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પાર ધકેલ્યા છે. 

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીઓએ જણાવ્યું છે કે, ૫ ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય સરહદની પાકિસ્તાન બાજુએ સૈન્ય ચોકીઓ પર નાગરિકોની અવરજવર વધી હતી, જે હકીકતમાં આતંકવાદીઓ જ હતા. 

 

આ સંભવિત હુમલાઓને રોકવા માટે, સુરક્ષા દળોએ હાઈવે પર પેટ્રોલિંગ વધારી દીધું છે અને નવા નાકા સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. રેલવે લાઇનને સુરક્ષિત કરવા માટે પણ વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કાશ્મીર ખીણમાં પણ સૈન્ય સંસ્થાનો પર હુમલાની આશંકાને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ સુરક્ષાના દાવા કર્યા હોવા છતાં, ભૂતકાળમાં પણ આતંકીઓ આવા દાવાઓ વચ્ચે હુમલા કરવામાં સફળ રહ્યા છે, જેથી આ વખતે કોઈ જોખમ ન રહે તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

(11:36 PM IST)