News of Saturday, 9th August 2025
સરકારે પાછું ખેચ્યું ઈનકમ ટેક્સ બિલ 2025 : હવે 11 ઓગસ્ટે રજૂ કરાશે નવો ડ્રાફ્ટ
સરકારે ઈન્કમ ટેક્સ બિલ 2025ને પાછું ખેંચી લીધું : હવે સિલેક્ટ કમિટી અને અન્ય પક્ષો પાસેથી મળેલા સૂચનોને ઉમેરીને નવું બિલ 11 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી : ભારત સરકારે નવું ઈન્કમ ટેક્સ બિલ 2025ને પાછું ખેંચી લીધું છે. આ બિલ 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય જૂની ઈન્કમ ટેક્સ એક્ટ 1961ને હટાવીને નવો કાયદો લાવવાનો હતો. પરંતુ, હવે સરકારે આ બિલમાં કેટલાક જરૂરી ફેરફારો કર્યા બાદ તેને ફરીથી રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, બિલ રજૂ થયા બાદ તેને તપાસ માટે સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવ્યું હતું. આ કમિટીએ બિલ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને 21 જુલાઈના રોજ લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં જે ભલામણો કરવામાં આવી હતી, તેમાંથી લગભગ તમામને સરકારે સ્વીકારી લીધી છે. આ ઉપરાંત અન્ય સ્ત્રોતોમાંથી પણ સૂચનો મળ્યા છે, જે આ બિલને વધુ સ્પષ્ટ અને સરળતાથી સમજાય તેવું બનાવવામાં મદદ કરશે. તેથી સરકારે નક્કી કર્યું છે કે પહેલાવાળા બિલને પાછું ખેંચી લેવામાં આવે અને તેમાં ફેરફાર કરીને એક નવું બિલ રજૂ કરવામાં આવે.
નવું બિલ ક્યારે આવશે?
સરકારી સૂત્રોનું માનીએ તો નવું બિલ આગામી સોમવાર, 11 ઓગસ્ટ 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ નવા ડ્રાફ્ટમાં તમામ સૂચનો અને ફેરફારોનો સમાવેશ કરવામાં આવશે, જેથી ટેક્સપેયર્સને સ્પષ્ટ અને સરળ કાયદો મળી શકે.
31 સભ્યોની આ કમિટીની અધ્યક્ષતા ભાજપના સાંસદ બૈજયંત પાંડેએ કરી હતી. આ કમિટીએ લગભગ 4584 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં 285 ભલામણો હતી. તેમાં એ સૂચન કરાયું છે કે ટેક્સ કાયદાને સરળ, સ્પષ્ટ અને સામાન્ય નાગરિકો સમજી શકે તેવો બનાવવામાં આવે. કમિટીએ ફક્ત કાગળ પર કામ નથી કર્યું, પરંતુ વ્યાપક ચર્ચા-વિચારણા કરી. તેણે ઉદ્યોગ જગત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલો, MSMEs, NGO પ્રતિનિધિઓ, અર્થશાસ્ત્રીઓ અને નાગરિક સંગઠનો સાથે બેઠકો યોજી. આ ચર્ચાઓનો ઉદ્દેશ દરેક પક્ષના મંતવ્યોને બિલમાં સામેલ કરવાનો હતો.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
