<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

આવો પણ ઓનલાઇન બેન્‍કિંગ ફ્રોડ થાય

૮૩ વર્ષના વડીલની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ તોડાવીને બારોબાર ૧૪ લાખ ઉપાડવામાં આવ્‍યા

 

થાણે તા.૩૦: થાણેમાં રહેતા ૮૩ વર્ષના વડીલની બેન્‍કમાં રાખેલી ફિક્‍સ્‍ડ ડિપોઝિટ (એફડી) તેમની જાણ બહાર જ પાકવાની મુદત પહેલાં તોડી કાઢવામાં આવી અને થોડા-થોડા કરીને એફડીના ૧૪.૮૭ લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્‍યા. ૧૦ મહિના બાદ તાજેતરમાં જ વડીલને પોતાની સાથે થયેલી છેતરપિડી વિશે ખ્‍યાલ આવતાં તેમણે રાબોડી પોલીસ-સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ-ફરિયાદ મુજબ ૮૩ વર્ષના વડીલ અને તેમની પત્‍નીનું એક પ્રાઇવેટ બેન્‍કમાં જોઇન્‍ટ અકાઉન્‍ટ છે, જેમાં તેમણે અમુક ચોક્કસ રકમની એફડી કરી રાખી છે. ફરિયાદીએ કરેલા આક્ષેપ મુજબ કોઈ અજાણી વ્‍યક્‍તિએ ઓનલાઇન બેન્‍કિંગ સિસ્‍ટમ ટ્રેસ કરીને તેમની એફડી પાકે એ પહેલાં જ તોડાવી કાઢી હતી. ત્‍યાર બાદ ૧૦ મહિનાના સમયમાં થોડા-થોડા કરીને ૩ ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા કુલ ૧૪,૮૭,૦૨૨ રૂપિયા તેમના જોઇન્‍ટ અકાઉન્‍ટમાંથી ઉપાડવામાં આવ્‍યા હતા.

પોલીસ-ફરિયાદ નોંધાયા બાદ રાબોડી પોલીસે ઇન્‍ફર્મેશન ટેક્રોલોજી એક્‍ટ અને ભારતીય ન્‍યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.(૩૮.૪)

(9:46 AM IST)