News of Tuesday, 29th July 2025
બેંકોમાં પડી છે રૂ. ૬૭,૦૦૦ કરોડથી વધુની રકમ ‘‘ઘરજમાઇ''
અત્યાર સુધી કોઈ ગ્રાહકે, નોમિનીએ કે કાનૂની વારસદારે ક્લેમ નથી કરી : માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં રૂ. ૧૯,૩૨૯.૯૨ કરોડની અનક્લેમ્ડ રકમ છેઃ જે ઘણાં વર્ષોથી ઉપાડવામાં નથી આવી

નવી દિલ્હી તા.૨૯: સરકારી અને ખાનગી બેંકોમાં કુલ રૂ. ૬૭,૦૦૪ કરોડની દાવા વગરની (અનક્લેમ્ડ) ડિપોઝિટ્સ પડી છે, જેને અત્યાર સુધી કોઈ ગ્રાહકે, નોમિનીએ કે કાનૂની વારસદારે ક્લેમ નથી કરી. માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એસબીઆઇ માં જ રૂ. ૧૯,૩૨૯.૯૨ કરોડની અનક્લેમ્ડ રકમ છે, જે ઘણાં વર્ષોથી જમા બાદ પણ નથી ઉપાડવામાં આવી. ત્યાર બાદ પંજાબ નેશનલ બેંક (રૂ. ૬૯૧૦.૬૭ કરોડ) અને કેનરા બેંક (રૂ. ૬૨૭૮.૧૪ કરોડ)નું નામ આવે છે, એમ કેન્દ્ર સરકારે જાણકારી આપી છે.
ખાનગી બેંકોમાં આઇસીઆઇસીઆઇ બેંક પાસે રૂ. ૨૦૬૩.૪૫ કરોડ અને એચડીએફસી બેંક પાસે રૂ. ૧૬૦૯.૫૬ કરોડની અનક્લેમ્ડ રકમ છે. કુલ મળીને ખાનગી બેંકોમાં રૂ. ૮૬૭૩.૭૨ કરોડ ક્લેમ વિના પડ્યા છે.
જે સેવિગ્સ કે કરંટ ખાતાઓમાં ૧૦ વર્ષ સુધી કોઈ લેવડદેવડ ન થાય અથવા ફિક્સ ડિપોઝિટની મેચ્યોરિટી પછી પણ ૧૦ વર્ષ સુધી ક્લેમ ન થાય, તો એ રકમ ડીપોઝીટર એજયુકેશન એન્ડ અવેરનેસ ફંડ ડીઇએ ફંડ માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જેને આરબીઆઇ સંચાલિત કરે છે.
બિન-બેંકિગ નાણાકીય સંસ્થાઓ (એનબીએફસીએસ) માટે આ નિયમ લાગુ પડતો નથી. તેમને પોતાની અનક્લેમ્ડ રકમ ડીઇએ ફંડમાં ટ્રાન્સફર કરવાની ફરજ નથી.
રીઝર્વ બેન્કેએ ઉદગમનામનું એક પોર્ટલ શરૂ કર્યું છે, જેના માધ્યમથી લોકો પોતાને નામે તમામ બેંકોમાં પડેલી અનક્લેમ્ડ રકમ શોધી શકે છે. ૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૮.૬ લાખથી વધુ લોકો આ પોર્ટલનો ઉપયોગ કરી ચૂક્યા છે.
આ રકમનો ઉપયોગ આરબીઆઇ દ્વારા ડિપોઝિટર્સનાં હિતોની રક્ષા અને લોકોને જાગૃત કરવા જેવાં કામોમાં થાય છે. (૩૮.૭)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
