News of Friday, 11th July 2025
શ્રેણીબદ્ધ હુમલાથી ઘેરાયું પાકિસ્તાન: છેલ્લા 4 દિવસમાં 70 જેટલા હુમલા: જાણો શું છે ઓપરેશન BAAM. જેનાથી ફફડ્યું બલુચિસ્તાન
ઓપરેશન બામ શરૂ થયાના કલાકોમાં જ, બલૂચ લિબરેશન ફ્રન્ટે પંજપુર, સુર્બ, કેચ અને ખારાનમાં 17 હુમલાઓની જવાબદારી સ્વીકારી

પાકિસ્તાનના બલુચિસ્તાન અને અન્ય પ્રાંતોમાં આતંકવાદી હુમલાઓ સતત થઈ રહ્યા છે. આ હુમલાઓની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા લેવામાં આવી છે. મોરચાએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 4 દિવસમાં 70 હુમલા કરવામાં આવ્યા છે, જેમાં 80% લક્ષ્યો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા 4 દિવસમાં પાકિસ્તાનના બલુચિસ્તાન અને અન્ય પ્રાંતોમાં લગભગ 70 હુમલા કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ બધા હુમલાઓની જવાબદારી લીધી છે. તેને 'ઓપરેશન બામ'નો એક ભાગ ગણાવવામાં આવ્યો છે. BLF એ 8 જુલાઈએ તેની શરૂઆતની જાહેરાત કરી હતી, ત્યારથી હુમલાઓ સતત ચાલુ છે.
શુક્રવારે પાકિસ્તાનના પંજાબમાં અજાણ્યા બંદૂકધારીઓએ બસોમાંથી નવ મુસાફરોનું અપહરણ કરીને હત્યા કરી હતી. આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. જોકે, પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે આ ઘટના પાછળ ફિત્ના અલ-હિન્દુસ્તાનનો હાથ છે. બલુચિસ્તાનના સીએમ મીર સરફરાઝે આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. બીજી તરફ, પાકિસ્તાનના PM શાહબાઝના કાર્યાલયમાંથી જાહેર કરાયેલા એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમે એકતા અને તાકાતથી આતંકવાદના અભિશાપનો સામનો કરીશું. જોકે, એવું માનવામાં આવે છે કે આ ઘટના પણ બીએલએફ દ્વારા જ અંજામ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં સંગઠનના પ્રવક્તા મેજર ગ્વાહરામ બલોચ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બીએલએફએ તેના લશ્કરી ઓપરેશન ઓપરેશન બામના 80 ટકા લક્ષ્યોને માત્ર 4 દિવસમાં પૂર્ણ કરી લીધા છે.
બલૂચ લિબરેશન ફ્રન્ટે 8 જુલાઈના રોજ ઓપરેશન બામ શરૂ કર્યું છે. આ પાકિસ્તાની સરકાર વિરુદ્ધ જાહેર કરાયેલું અભિયાન છે, જેને બલૂચ રાષ્ટ્રીય મુક્તિ સંગ્રામની નવી સવાર તરીકે વર્ણવવામાં આવી રહી છે. આ ઓપરેશન હેઠળ, BLF એ મકરાન દરિયાકાંઠાના વિસ્તારથી કોહ-એ-સુલેમાન પર્વત સુધી સતત અને ઘાતક હુમલાઓ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. BLF પ્રવક્તા ગ્વાહરામ બલોચને ટાંકીને જીઓ ન્યૂઝમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ ઓપરેશનનો હેતુ એ બતાવવાનો છે કે બલૂચ લડવૈયાઓ મોટા વિસ્તારોમાં કાર્યવાહી કરવા સક્ષમ છે.
ઓપરેશન બામ શરૂ થયાના કલાકોમાં જ, બલૂચ લિબરેશન ફ્રન્ટે પંજપુર, સુર્બ, કેચ અને ખારાનમાં 17 હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. સમાચાર એજન્સી ANIના અહેવાલમાં મેજર ગ્વાહરામને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 70 થી વધુ હુમલા કરવામાં આવ્યા છે. બલૂચે આ ઓપરેશનમાં સુરક્ષા દળો અને પાકિસ્તાનના આર્થિક હિતોને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓએ કનેક્ટિવિટી અને રેલ સેવાઓ ખોરવી નાખી છે. આ ઉપરાંત, ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના મુખ્ય ભાગોને પણ અવરોધિત કરવામાં આવ્યા છે.
બલૂચ લિબરેશન ફ્રન્ટ બલૂચિસ્તાન માટે સ્વતંત્રતા ઇચ્છે છે. આ જૂથ 1964 થી પાકિસ્તાન પર પ્રદેશના સંસાધનો પર કબજો કરીને અહીંના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યું છે. હકીકતમાં, બ્રિટિશ ભારતથી સ્વતંત્રતા પછી બલૂચિસ્તાનને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું, જોકે 1948 પછી તેનો પાકિસ્તાનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘણા દાયકાઓથી, અહીંના લોકો સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
