News of Wednesday, 9th July 2025
ગીર સોમનાથ ACB ની મોટી કાર્યવાહી : કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સિનિયર કોમર્શિયલ ઓફિસર ₹ ૭ લાખની લાંચ લેતા ઝડપાયા : મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ પણ સકંજામાં!
ઉના-ખાંભા સેન્ટ્રલ ખાતે કોટનની ગાંસડીના બિલ મંજૂર કરવા માંગણી કરાઈ હતી : ACB એ છટકું ગોઠવી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા: લાંચની રકમ પણ રિકવર

ગીર સોમનાથ : રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ ACB એ આજે એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ના બે અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઉના, ગીર સોમનાથ ખાતેથી ઝડપાયેલા આ આરોપીઓમાં સિનિયર કોમર્શિયલ ઓફિસર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.
ઘટનાની વિગતો:
પ્રાપ્ત માહિતી અનુસાર, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઉના-ખાંભા સેન્ટ્રલ, રાજકોટ બ્રાંચના સિનિયર કોમર્શિયલ ઓફિસર મહેશભાઈ બી. બિરલા (વર્ગ-૩) દ્વારા ફરિયાદીના કોટનની ગાંસડીના બિલ મંજૂર કરવા માટે ₹૭,૦૦૦,૦૦/- (સાત લાખ રૂપિયા) ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી. મહેશભાઈ બિરલાએ આ લાંચની રકમ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ દિવ્યેશભાઈ નાથાભાઈ સાગઠીયા (વર્ગ-૪) ને પહોંચાડવા જણાવ્યું હતું.
ફરિયાદી લાંચની આટલી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગીર સોમનાથ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે, ACB દ્વારા તાત્કાલિક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ACB ની સફળ ટ્રેપ:
આજ રોજ, ૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન, આરોપી નંબર-૧ મહેશભાઈ બિરલા તેમના નિવાસ સ્થાનેથી ACB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આરોપી નંબર-૨ દિવ્યેશભાઈ સાગઠીયા સ્થળ પર જ લાંચની રકમ સાથે રંગેહાથ પકડાઈ ગયા હતા. ACB દ્વારા લાંચની માંગણી કરાયેલી અને સ્વીકારાયેલી સંપૂર્ણ ₹૭,૦૦૦,૦૦/- ની રકમ રિકવર કરી લેવામાં આવી છે.
આ સમગ્ર ટ્રેપ ડી.આર. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગીર સોમનાથ ACB પોલીસ સ્ટેશન દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. તેમને બી.કે. ગમાર, પો.ઇ. પોરબંદર ACB પોલીસ સ્ટેશન અને આર.એન. વિરાણી, ફિલ્ડ પો.ઇ. રાજકોટ દ્વારા મદદ કરવામાં આવી હતી. આ કાર્યવાહીનું સુપરવિઝન બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ ACB એકમ, જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ દરોડાથી ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ACB એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની કટિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
