News of Wednesday, 9th July 2025
દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં પક્ષી અથડાયું : પટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ મુસાફરો નીચે ઉતર્યા
૧૭૫ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા : ટેકઓફ બાદ તરત દુર્ઘટના સર્જાય

નવી દિલ્હી, તા.૯: પટનાથી દિલ્હી જઈ રહેલા ઈન્ડિગો પેસેન્જર પ્લેનનું ટેકઓફ પછી પક્ષી સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનને એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાનમાં ૧૭૫ મુસાફરો સવાર હતા. મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મુસાફરોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ હતો, પરંતુ વિમાનના સુરક્ષિત લેન્ડિંગથી બધાને રાહત મળી. એરપોર્ટ વહીવટીતંત્ર અને એરલાઈન કંપનીના અધિકારીઓએ તાત્કાલિક જવાબદારી સંભાળી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢયા અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું.
આ માહિતી આપતા એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ ૧૭૫ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. પટના એરપોર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પટનાથી દિલ્હી જતી IGO 5009 ફ્લાઇટમાં સવારે ૮:૪૨ વાગ્યે ટેકઓફ પછી પક્ષી અથડાઈ હોવાની જાણ થઈ હતી, નિરીક્ષણ દરમિયાન રનવે પર એક મળત પક્ષી મળી આવ્યું હતું. ‘એપ્રોચ કંટ્રોલ યુનિટ' એ વિમાનને આ અંગે જાણ કરી હતી. એપ્રોચ કંટ્રોલ યુનિટ તરફથી સંદેશ મળ્યો હતો કે એક એન્જિનમાં કંપન થવાને કારણે વિમાને પટના પરત ફરવાની વિનંતી કરી છે. વિમાને સવારે ૯:૦૩ વાગ્યે રનવે ૭ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. બધા મુસાફરો સુરક્ષિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવશે. એરલાઇન કંપની મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરશે.
થોડા દિવસો પહેલા, રાંચી જઈ રહેલા ઇન્ડિગોના પેસેન્જર વિમાનમાં પક્ષી અથડાયું હતું, જેના પછી આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
