<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડી, ચંબામાં અનેક રસ્તા ધોવાયા: મૃત્યુઆંક ૭૪ થયો, ૭૦ લોકોનો કોઈ પતો નથી: જનજીવન અસ્તવ્યસ્ત: ૧,૩૬૧ પાવર ટ્રાન્સફોર્મર અને ૬૩૯ પાણી પુરવઠા યોજનાઓને અસર પહોંચતા વીજળી અને પાણીની ભારે સમસ્યા

ભયાવહ પૂરની સ્થિતિ: ચારેકોર જળબંબાકાર: ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી: કુલ્લુ, સિમલા, સિરમોરમાં ૨૬૧ રસ્તાઓ ધોવાઈ ગયા

હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ યથાવત છે. મંડી બાદ ચંબા વિસ્તારમાં પણ વાદળ ફાટવાના કારણે ભયાવહ પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી ચારેકોર જળબંબાકાર થયો છે અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૪ લોકોના મૃત્યુ થયા છે, અને ૭૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

રાજ્યમાં કુલ ૨૬૧થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે પરિવહન ખોરવાયું છે. મંડી જિલ્લામાં સૌથી વધુ ૧૮૨ રસ્તાઓ બંધ થયા છે, જ્યારે કુલ્લુમાં ૩૭, શિમલામાં ૩૩ અને સિરમૌરમાં ૧૨ રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત, ૧,૩૬૧ પાવર ટ્રાન્સફોર્મર અને ૬૩૯ પાણી પુરવઠા યોજનાઓને અસર થઈ છે, જેનાથી વીજળી અને પાણીની સમસ્યાઓ સર્જાઈ છે.

 

ચંબા જિલ્લામાં નાકોર્ડ-ચંજુ રસ્તા નજીક આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે અને એક લોખંડનો પુલ પણ તણાઈ ગયો છે. રાજ્યભરમાં અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) સહિતની બચાવ ટુકડીઓ સતત બચાવ કામગીરી હાથ ધરી રહી છે.

મોન્સૂનના પ્રારંભથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં અંદાજે ૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૦૦થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે અને ૫ રાહત કેમ્પ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી સતત ચાલુ છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

 

છેલ્લા ઉપલબ્ધ આંકડા મુજબ, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને પૂર સંબંધિત ઘટનાઓમાં ૭૪ લોકોના મૃત્યુ થયા છે અને ૭૦થી વધુ લોકો હજુ પણ લાપતા છે.

(12:42 PM IST)