તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
રાજકીય ભૂકંપ : 'ઓપરેશન લોટસ'નો પડઘો સૌરાષ્ટ્રમાં? બોટાદ બાદ વધુ એક AAP ધારાસભ્ય નારાજ : ભાજપના 'પક્ષ પલટાના ડોક્ટર' સાથે ગુપ્ત બેઠકોના ધમધમાટ!
આમ આદમી પાર્ટીના આંતરિક કલહ સપાટી પર : સૌરાષ્ટ્રમાં AAP નો ગઢ ભેદાઈ રહ્યો હોવાની ચર્ચા : ભાજપની સક્રિયતાથી રાજકીય હડકંપ

(વિજય વસાણી, અકિલા) તા. ૨૬ જૂન, રાજકોટ : ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર 'ઓપરેશન લોટસ'નો પડઘો સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો છે, અને આ વખતે તેની ગુંજ સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં સૌથી વધુ છે. બોટાદના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જાહેરમાં પાર્ટીથી પોતાની નારાજગી વ્યક્ત કર્યા બાદ સર્જાયેલી રાજકીય ઉથલપાથલ શાંત પડે તે પહેલાં જ, સૌરાષ્ટ્રના AAP ના વધુ એક ધારાસભ્ય પણ 'આપ'ની નેતાગીરી અને આંતરિક કાર્યશૈલીથી સખત નારાજ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકીય ગલિયારામાં એવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે આ અજાણ્યા નારાજ ધારાસભ્ય પણ ટૂંક સમયમાં જ કોઈ મોટી 'નવાજૂની' કરવાના મૂડમાં છે.
સૂત્રો દ્વારા અત્યંત વિશ્વસનીય માહિતી મળી રહી છે કે, આ નારાજ ધારાસભ્યે સૌરાષ્ટ્ર ભાજપના એક અત્યંત પ્રભાવી અને રાજકીય રીતે ચાણક્ય ગણાતા 'આગેવાન' સાથે ગુપ્ત બેઠકોનો ધમધમાટ પણ બોલાવી દીધો છે. આ ભાજપના નેતાને રાજકીય વર્તુળોમાં 'પક્ષ પલટો કરાવવાના ડોક્ટર' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે મામલો કેટલો ગંભીર છે. આ ગુપ્ત બેઠકોમાં શું ચર્ચાઓ થઈ રહી છે અને કયા રાજકીય સોદા થઈ રહ્યા છે તે અંગે અટકળો તેજ બની છે.
આ ઘટનાક્રમ આમ આદમી પાર્ટી માટે એક મોટો આંતરિક કલહ અને પડકાર ઊભો કરી રહ્યો છે. એક તરફ, ગુજરાતમાં પગ જમાવવા પ્રયાસ કરી રહેલી AAP માટે તેના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓની નારાજગી ચિંતાનો વિષય છે. બીજી તરફ, ભાજપ દ્વારા 'ઓપરેશન લોટસ' સક્રિય કરવામાં આવ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે, જે AAP ના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયાસો હોઈ શકે છે.
જો આ અટકળો સાચી ઠરે છે અને સૌરાષ્ટ્રના વધુ એક AAP ધારાસભ્ય પક્ષ પલટો કરે છે, તો તે આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો સાબિત થશે અને સૌરાષ્ટ્રમાં AAP નો ગઢ ભેદાઈ રહ્યો હોવાનું સ્પષ્ટ થશે. ભાજપની આ સક્રિયતા ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં વધુ ઉથલપાથલ સર્જી શકે છે અને રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો લાવી શકે છે. સૌની નજર હવે આ નારાજ ધારાસભ્યના આગામી પગલાં પર અને ભાજપના 'પક્ષ પલટાના ડોક્ટર'ની રણનીતિ પર રહેશે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
