તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ઉત્તરાખંડમાં ગોઝારો અકસ્માત : ઋષિકેશ - બદ્રીનાથ માર્ગ પર ટ્રક સાથે અથડાઈને ૧૯ મુસાફરો ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી : એકનું મોત : સુરતના ૭ લોકો સહિત અનેક લાપતા!
પરધોગોલ નજીક સર્જાયેલી દુર્ઘટનામાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ : નદીનો તેજ પ્રવાહ રાહતકાર્યમાં અવરોધરૂપ : ગુજરાતમાં શોકનો માહોલ

તા. ૨૬ જૂન, ૨૦૨૫, ગુરુવાર : ઋષિકેશ, ઉત્તરાખંડ: ઉત્તરાખંડના યાત્રાધામ ઋષિકેશને બદ્રીનાથ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ૧૯ મુસાફરોને લઈને જઈ રહેલી એક મીની બસ પરધોગોલ નજીક એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભીષણ ટક્કર બાદ બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી નજીકમાં જ આવેલી અલકનંદા નદીના ધસમસતા અને વિકરાળ પ્રવાહમાં ખાબકી હતી.
પ્રાથમિક અહેવાલો મુજબ, આ ગમખ્વાર દુર્ઘટનામાં એક મુસાફરનું કરુણ અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર અન્ય ઘણા મુસાફરો ગુમ હોવાના ભયાવહ અહેવાલો મળી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ નદીમાં પડતાની સાથે જ પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી અને કેટલાક મુસાફરો તણાતા નજરે પડ્યા હતા.
આ અકસ્માત અંગે સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ દુર્ભાગ્યપૂર્ણ બસમાં ગુજરાતના સુરત શહેરના ૭ લોકો પણ સવાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને સ્નેહીજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સૌ પોતાના સ્વજનોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, અલકનંદા નદીનો પ્રવાહ હાલ ચોમાસાને કારણે અત્યંત તેજ અને વિકરાળ હોવાથી રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ નદીનો વ્યાપક પ્રવાહ આ કાર્યને વધુ પડકારજનક બનાવી રહ્યો છે. (વિજય વસાણી, અકિલા)
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
