તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 26th June 2025
ભારત-પાકિસ્તાનની ટીમ જોવા મળશે ક્રિકેટના મેદાને
૨૦ જુલાઈએ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ રમાશે : ૨૦ જુલાઈ ૨૦૨૫ના રોજ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫માં બંને દેશોના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ એજબેસ્ટન ખાતે ટકરાશે

લંડન,તા.૨૬: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ એ ચાહકો માટે એક એવો પ્રસંગ છે, જેની રાહ દરેક રમતપ્રેમી આતુરતાથી જુએ છે. ભલે તે ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, આ બે દેશોની ટીમો વચ્ચેની ટક્કર હંમેશાં ભાવનાઓનો ઉભરો લાવે છે. ચાહકો પોતપોતાની ટીમની જીત માટે પ્રાર્થના કરે છે અને મેદાન પરની દરેક ક્ષણને ઉત્સાહથી માણે છે. તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારતે પાકિસ્તાનને પરાજય આપીને શાનદાર વિજય મેળવ્યો હતો, જેની ચર્ચા ચાહકોમાં હજુ પણ ચાલે છે. પરંતુ હવે, ૨૦ જુલાઈ ૨૦૨૫ના રોજ એક નવી અને અનોખી મેચ યોજાવા જઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન ના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫ એ એક એવી ટુર્નામેન્ટ છે, જેમાં વિશ્વના ભૂતપૂર્વ ક્રિકેટ સ્ટાર્સ પોતાની કુશળતા ફરી એકવાર બતાવે છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન ૨૦૨૪માં યોજાઈ હતી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. આ વર્ષે બીજી સીઝન ૧૮ જુલાઈથી શરૂ થઈ રહી છે, અને ચાહકો ફરી એકવાર ભારત-પાકિસ્તાનની રોમાંચક ટક્કરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ૨૦ જુલાઈએ ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની આ મેચ ખાસ બનશે, કારણ કે બંને ટીમોમાં એવા ખેલાડીઓ છે, જેમણે પોતાના સમયમાં ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો છે.
આ રોમાંચક મેચ ઈંગ્લેન્ડના પ્રખ્યાત એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારતીય સમય મુજબ સાંજે ૪:૩૦ વાગ્યે આ મેચનું લાઇવ પ્રસારણ થશે, જે ચાહકો માટે એક ખાસ અનુભવ બનશે. આ મેચમાં ભારતનું નેતળત્વ યુવરાજ સિંહ કરશે, જેણે પોતાની આક્રમક બેટિંગ અને ઓલરાઉન્ડ પ્રદર્શન થી ક્રિકેટ જગતમાં નામના મેળવી છે. બીજી તરફ, પાકિસ્તાન ચેમ્પિયન્સ ની કમાન યુનિસ ખાન ના હાથમાં હશે, જે એક સફળ કેપ્ટન અને બેટ્સમેન તરીકે જાણીતા છે.
આ મેચમાં બંને ટીમોમાં એવા ખેલાડીઓનો સમાવેશ છે, જેમણે પોતાના સમયમાં ચાહકોના દિલ જીત્યા હતા. ભારત ચેમ્પિયન્સની ટીમમાં યુવરાજ સિંહ (કેપ્ટન), સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, મોહમ્મદ કૈફ, ઇરફાન પઠાણ, પાર્થિવ પટેલ, વિનય કુમાર, હરભજન સિંહ, પ્રજ્ઞાન ઓઝા, યુસુફ પઠાણ, નમન ઓઝા, મુનાફ પટેલ, રતિન્દર સિંહ સોઢી, આરપી સિંહ અને અશોક ડિંડા જેવા ખેલાડીઓ સામેલ છે. આ ટીમમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગનું શાનદાર સંતુલન છે.
પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમમાં યુનિસ ખાન (કેપ્ટન), શાહિદ આફ્રિદી, શોએબ મલિક, મિસ્બાહ-ઉલ-હક, ઇમરાન નઝીર, મોહમ્મદ હફીઝ, કામરાન અકમલ, સલમાન બટ્ટ, અબ્દુલ રઝાક, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, યાસિર અરાફાત, સોહેલ તનવીર, સઈદ અજમલ અને ઉમર ગુલ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ ટીમ પણ અનુભવી અને આક્રમક ખેલાડીઓથી ભરેલી છે, જે મેચને રોમાંચક બનાવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માત્ર એક રમતગમતની ઘટના નથી, પરંતુ એક એવો પ્રસંગ છે, જે બંને દેશોના ચાહકોને એકજૂટ કરે છે. યુવરાજ સિંહની વિસ્ફોટક બેટિંગ, હરભજન સિંહની સ્પિન, શાહિદ આફ્રિદીની આક્રમક શૈલી અને મોહમ્મદ આમિરની ઝડપી બોલિંગ જેવા દૃશ્યો ચાહકોને ફરી એકવાર રોમાંચિત કરશે. આ મેચ નવી પેઢી માટે પણ ખાસ હશે, કારણ કે તેઓ એવા ખેલાડીઓને રમતા જોશે, જેમણે ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
