તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ભારે કરીઃ પત્ની સાથે ઝઘડો થતાં ૪ કરોડની સંપત્તિ મંદિરમાં દાન કરી દીધી
પારિવારિક વિવાદથી કંટાળી રિટાયર્ડ ફોજી વિજયને પ્રેરણાદાયક ફિલ્મ જોઈ ૪ કરોડની સંપત્તિના દસ્તાવેજ રેણુકામ્બલ મંદિરને દાન કરી દીધી

ચેન્નાઈ,તા.૨૬: તમિલનાડૂના અરની વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક રિટાયર્ડ આર્મી ઓફિસે પોતાની તમામ સંપત્તિ એટલે કે ૪ કરોડ રુપિયાના બે મકાનના કાગળ મંદિરને દાનમાં આપી દીધા. આ ઘટના ત્યારે સામે આવી, જ્યારે મંદિરની ગણતરી દરમ્યાન કર્મચારીઓને નોટો સાથે સાથે બે મકાનના દસ્તાવેજ પણ મળ્યા હતા. આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.
આ ઘટના પાછળની કહાની પણ ફિલ્મી છે. કહેવાય છે કે, એક રિટાયર્ડ ફોજી વિજયન, જે કોનાયૂર ગામના રહેવાસી છે. તેમણે આ કામ એક તમિલ ફિલ્મ પલાયમથુ અમ્માન જોઈને કર્યું છે. ફિલ્મમાં એક બાળક પૈસાના બોક્સમાં પડી જાય છે અને દાવો કરે છે કે તે મંદિરની સંપત્તિ છે. આ વિચારથી વિજયને પણ પોતાના મકાનોને મંદિરની સંપત્તિ માનીને દસ્તાવેજ દાનમાં આપી દીધા.
વિજયન અને તેની પત્ની કસ્તૂરી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કહેવાય છે કે, થોડા દિવસ પહેલા વિજયનને પત્નીના પરિવારે ધમકાવ્યો હતો. આ બધાથી કંટાળીને તે મંદિરમાં ગયો અને બંને મકાનોના દસ્તાવેજ રેણુકામ્બલ મંદિરમાં દાનમાં આપી દીધા.
જ્યારે વિજયનના પરિવારને આ દાનના સમાચાર મળ્યા, તો તે મંદિરે પહોંચ્યા અને સંપત્તિ પાછી માગવા લાગ્યા, પણ મંદિરના સંયુક્ત આયુક્તે સ્પષ્ટ કહી દીધું કે એક વાર જે વસ્તુ મંદિરના ખજાનામાં આવી જાય, તે પાછી નથી મળતી. તેથી પરિવારને ખાલી હાથે પાછા ફરવું પડ્યું.
આ અનોખી ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. અમુક લોકો તેને એક ફિલ્મી સીનથી વધારે નાટકીય ગણાવી રહ્યા છે. તો વળી અમુક લોકો વિજયનના નિર્ણયની સચ્ચાઈ અને ઈમાનદારીના વખાણ કરી રહ્યા છે. પણ પરિવારની નારાજગી પણ સમજી શકાય છે. કારણ કે હવે તેમની કરોડોની સંપત્તિ કાયદેસર રીતે મંદિરની થઈ ગઈ છે.(૪૦.૧૧)
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
