<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્‍ય

જીડીપી અને માથાદીઠ આવકમાં પણ ત્રિપુરા આગળ

નવી દિલ્‍હી,તા.૨૪: ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા ત્રીજુ સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્‍ય બન્‍યું છે. તેનો સાક્ષરતા દર ૯૫.૬ ટકા નોંધાયો છે.  છેલ્લા એક દાયકાથી રાજ્‍યનો સાક્ષરતા દર ૯૦ ટકાથી વધુ રહ્યો હતો. કેન્‍દ્રીય શિક્ષણ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી.

કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી પ્રીતિ મીણાએ એક કાર્યક્રમમાં આ અંગે જણાવ્‍યું હતું કે, મિઝોરમ અને ગોવા બાદ ત્રિપુરા ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્‍ય બન્‍યું છે. યુનેસ્‍કોની ૯૫ ટકા સાક્ષરતા દરની વ્‍યાખ્‍યાને અનુરૂપ ત્રિપુરાને સંપૂર્ણ સાક્ષર રાજ્‍ય તરીકે જાહેર કરવામાં આવ્‍યું છે. પિરિયોડિક લેબર સર્વે ૨૦૨૩-૨૪ના રિપોર્ટ અનુસાર, ત્રિપુરાનો સાક્ષરતા દર ૯૩.૭ ટકા નોંધાયો હતો. જો કે, ઉલ્લાસ અભિયાનની વર્તમાન સફળતાના પગલે આ આંકડો વધી ૯૫.૬ ટકા થયો છે. કેન્‍દ્ર સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, ૯૫ ટકાથી વધુ સાક્ષરતા હાંસલ કરનારા રાજ્‍યો તથા કેન્‍દ્રશાસિત પ્રદેશોને પૂર્ણ સાક્ષરતાનો દરજ્જો મળે છે

મીણાએ આગળ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર વિવિધ યોજનાઓ મારફત સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ (ટકાઉ વિકાસ લક્ષ્યાંકો)ના માધ્‍યમથી ભારતને ૨૦૩૦ સુધીમાં સંપૂર્ણ સાક્ષર રાષ્‍ટ્ર બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. નવશિખાઉ લોકોને શિક્ષણ ચાલુ રાખવા અપીલ છે.  જેથી ૨૦૨૭ની વસ્‍તી ગણતરીમાં, ત્રિપુરાને સંપૂર્ણ સાક્ષર રાજ્‍ય તરીકે નોંધવામાં આવે. ભારત સરકારે અગાઉ ૨૦૨૨-૨૦૨૭ માટે કેન્‍દ્રિય -ાયોજિત યોજના ULLAS શરૂ કરી હતી જે રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે સુસંગત તમામ માટે શિક્ષણ (જેને અગાઉ પુખ્‍ત શિક્ષણ તરીકે ઓળખવામાં આવતું હતું)ના તમામ પાસાઓને આવરી લે છે.

ત્રિપુરાના મુખ્‍યમંત્રી ડો. માણિક સાહાએ આ અંગે જણાવ્‍યું હતું કે ૧૯૬૧માં, રાજ્‍યનો સાક્ષરતા દર માત્ર ૨૦.૨૪ ટકા હતો. અસંખ્‍ય પડકારોને પાર કરીને, રાજ્‍યનો સાક્ષરતા દર સતત વધી સ૨૦૧૧ની વસ્‍તી ગણતરીમાં ૮૭.૨૨ ટકા સુધી પહોંચ્‍યો  હતો. જે ૨૦૦૧ માં ૭૩.૬૬ ટકા હતો. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ માટેના વિઝનમાં સાક્ષરતા એક મહત્‍વપૂર્ણ ઘટક છે. વધુમાં મુખ્‍યમંત્રીએ દાવો કર્યો કે માથાદીઠ આવક અને GDPમાં, ત્રિપુરા ઉત્તરપૂર્વીય રાજ્‍યોમાં બીજા ક્રમે છે.

(10:24 AM IST)