<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

કેબિનેટ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ : દુઃખદ અવસાનથી રાજ્યમાં શોકનો માહોલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શોક પ્રસ્તાવ પસાર કરાયો : રાજ્ય મંત્રીમંડળે બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી : વિજયભાઈનું રાજકીય અને સામાજિક જીવન લોકસેવાને સમર્પિત હતું - ભુપેન્દ્રભાઈ

રાજકોટ, 18 જૂન, 2025: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી નેતા વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાનને પગલે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં વિજયભાઈના અવસાન અંગે ઊંડા ખેદ અને દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીમંડળે આ બેઠકમાં વિજયભાઈ રૂપાણીને ભાવસભર શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો.
રાજ્ય મંત્રીમંડળે પસાર કરેલા શોક પ્રસ્તાવ મુજબ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના અગ્રણી નેતા વિજયભાઈ રૂપાણીનું તા. 12 જૂન, 2025 ના રોજ 68 વર્ષની વયે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાનથી રાજ્ય સરકાર ઊંડા ખેદની લાગણી અનુભવે છે.
વિજયભાઈ રૂપાણીનો જન્મ 02 ઓગસ્ટ, 1956 ના રોજ બર્માના રંગૂન શહેર (હાલમાં મ્યાનમાર) ખાતે થયો હતો. તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાંથી સ્નાતક થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીકાળથી જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પણ રહ્યા હતા. વર્ષ 1971 માં તેમણે ભારતીય જનસંઘ સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
વિજયભાઈએ જાહેર જીવનની તેમની કારકિર્દી દરમિયાન રાજકોટ શહેરના મેયર તરીકે, 2006 થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે તેમજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. હાલમાં તેઓ પંજાબ અને ચંડીગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે સંગઠનમાં સેવાઓ આપી રહ્યા હતા.
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે વિજયભાઈએ વર્ષ 2014 થી 2016 દરમિયાન સેવાઓ આપી હતી. ગુજરાત રાજ્યના 16 માં મુખ્યમંત્રી તરીકે તેમણે ઓગસ્ટ, 2016 થી સપ્ટેમ્બર, 2021 સુધી સેવાઓ આપીને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વિજયભાઈ રૂપાણીએ તાઉ-તે વાવાઝોડા અને કોરોના મહામારી જેવી કુદરતી આફતોમાં રાહત અને બચાવની કામગીરીમાં સફળ નેતૃત્વ પૂરું પાડીને શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ તેમજ સર્વાંગી વિકાસ અને છેવાડાના લોકો માટે અનેક નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યાં હતા. વિજયભાઈએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું. ગુજરાત મુખ્યમંત્રી તરીકે રાજ્યના અવિરત વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશે.
તેમની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં એક મોટી ખોટ પડી છે. વિજયભાઈ રૂપાણીના અવસાન અંગે રાજ્ય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે અને તેમના દિવંગત આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
આજની બેઠકમાં મંત્રીમંડળે વિજયભાઈ રૂપાણીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

 

(5:02 PM IST)