<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ટ્રમ્‍પનું ચસ્‍કી ગયું કે શું? ‘‘કસાઇ'' સાથે કરશે લંચ

‘‘જગતજમાદાર'' ડબલ ઢોલકી વગાડે છેઃ પાકિસ્‍તાનના આર્મી ચીફ આસિમ મુનિરને મળશે ટ્રમ્‍પઃ સાથે ભોજનિયા પણ લેશે : ટ્રમ્‍પ-પાક.સૈન્‍ય પ્રમુખની મુલાકાત ભારત માટે ચિંતાની બાબતઃ અમેરિકા શા માટે ‘‘ભાવ'' આપે છે? ઉઠતા પ્રશ્‍નોઃ શું મુનિરના ઝેરિલા પ્રચારથી અજાણ છે અમેરિકા

 

વોશીંગ્‍ટન તા.૧૮: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પાકિસ્‍તાનના આર્મી ચીફ ફિલ્‍ડ માર્શલ અસીમ મુનીર સાથે લંચ કરવા જઈ રહ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્‍યારે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે તણાવ ચરમસીમાએ છે. આ મુલાકાતે ભારતમાં ઘણા પ્રશ્‍નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્‍યારે ભારતે વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે પોતાની ઝીરો ટોલરન્‍સ નીતિને મજબૂતીથી રજૂ કરી છે. અમેરિકા પોતે આતંકવાદથી પીડાય છે. ઘણા પ્રસંગોએ, તેના અધિકારીઓએ આતંકવાદને રક્ષણ આપવા બદલ પાકિસ્‍તાનની ટીકા કરી છે. બીજી તરફ અમેરિકા પણ ભારતને પોતાનો વ્‍યૂહાત્‍મક ભાગીદાર કહે છે. આવી સ્‍થિતિમાં પ્રશ્‍ન એ ઊભો થાય છે કે અમેરિકા પાકિસ્‍તાનના આર્મી ચીફને આટલું મહત્‍વ કેમ આપી રહ્યું છે? શું ભારત છેતરાઈ રહ્યું છે?

પાકિસ્‍તાનના સેના પ્રમુખ અસીમ મુનીર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં રહેતા કેટલાક પાકિસ્‍તાનીઓએ મુનીર સામે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ અસીમ મુનીરને ‘‘સામૂહિક ખૂની'' ગણાવતા સૂત્રોચ્‍ચાર કર્યા. આ લોકો પાકિસ્‍તાનના બલુચિસ્‍તાનમાં થઈ રહેલા અત્‍યાચારો અને રાજકીય નેતાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા. તેમને ‘‘કસાઇ'' તરીકેની પણ ઉપમા આપવામાં આવી હતી.

વોશિંગ્‍ટનની મુલાકાતે આવેલા પાકિસ્‍તાન આર્મી ચીફ ફિલ્‍ડ માર્શલ અસીમ મુનીર વિશે મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. અમેરિકન રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ બુધવારે પાકિસ્‍તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને મળવા જઈ રહ્યા છે. બુધવારે રાષ્‍ટ્રપતિના વ્‍હાઇટ હાઉસ કાર્યક્રમમાં પાકિસ્‍તાની જનરલ સાથેની તેમની લંચ મીટિંગ બતાવવામાં આવી છે. મે મહિનામાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ચાર દિવસના લશ્‍કરી સંઘર્ષ પછી આસીમ મુનીરની અમેરિકાની આ પહેલી મુલાકાત છે. અસીમ મુનીર એવા સમયે અમેરિકા પહોંચ્‍યા છે જ્‍યારે ઇઝરાયલે પાકિસ્‍તાનના પડોશી મુસ્‍લિમ દેશ ઈરાન પર હુમલો કર્યો છે.

ટ્રમ્‍પ અને મુનીર બંધ બારણે  લંચ કરશે

અહેવાલ મુજબ, આ એક ખાનગી લંચ છે જે બંધ દરવાજા પાછળ યોજાશે. આ સમય દરમિયાન પ્રેસને સ્‍થળમાં પ્રવેશવાની મંજૂરી નથી. રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પના દૈનિક જાહેર કાર્યક્રમ મુજબ, ટ્રમ્‍પ અને અસીમ મુનીર વચ્‍ચેની મુલાકાત બપોરે ૧ વાગ્‍યે (વોશિંગ્‍ટન સમય) વ્‍હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં થવાની છે. પાકિસ્‍તાની આર્મી ચીફ તેમની યુએસ મુલાકાત દરમિયાન સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રુબિયો અને ડિફેન્‍સ સેક્રેટરી પીટ હેગસેથને પણ મળે તેવી અપેક્ષા છે.

અસીમ મુનીર ઈરાનને દગો આપશે

અસીમ મુનીરની ટ્રમ્‍પ સાથેની મુલાકાત બાદ, ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં પાકિસ્‍તાનની ભૂમિકા અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્‍પે ઈરાન સામેના યુદ્ધમાં પાકિસ્‍તાનનો ટેકો મેળવવા માટે આ બેઠકનું આયોજન કર્યું છે. અગાઉ, અફઘાનિસ્‍તાનમાં અમેરિકાના અભિયાન દરમિયાન પાકિસ્‍તાન અમેરિકાનું સાથી હતું. સંભવ છે કે આ બંધ બારણે થયેલી બેઠક દરમિયાન, ટ્રમ્‍પ ઈરાનમાં અભિયાન માટે પાકિસ્‍તાનની જમીનનો ઉપયોગ કરવા માટે દબાણ કરી શકે છે.

હકીકતમાં, પાકિસ્‍તાનના આર્મી ચીફ અસીમ મુનીર તાજેતરમાં જ વિવાદમાં આવ્‍યા હતા જ્‍યારે ભારતે ૨૨ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે તેમના ઉશ્‍કેરણીજનક નિવેદનને જવાબદાર ઠેરવ્‍યું હતું. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અંતર્ગત, પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન કબજા હેઠળના કાશ્‍મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર લશ્‍કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, પાકિસ્‍તાને પણ ભારત પર હુમલો કર્યો, જેના કારણે બંને દેશો વચ્‍ચે તણાવ વધ્‍યો. ત્‍યારબાદ ભારતે મોટી પ્રતિક્રિયાત્‍મક કાર્યવાહી કરી અને પાકિસ્‍તાને યુદ્ધવિરામની અપીલ કરી. ત્‍યારબાદ બંને દેશો વચ્‍ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્‍યો. આ દરમિયાન, ટ્રમ્‍પે દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામ કરાવ્‍યો.

મુનીરની વોશિંગ્‍ટન મુલાકાતના સમાચારથી ભારતમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ વ્‍હાઇટ હાઉસે સ્‍પષ્ટતા કરી હતી કે ૧૪ જૂને યોજાનારી યુએસ આર્મીની ૨૫૦મી વર્ષગાંઠની પરેડમાં કોઈ વિદેશી લશ્‍કરી નેતાને આમંત્રણ આપવામાં આવ્‍યું નથી, પરંતુ હવે ટ્રમ્‍પ અને મુનીર વચ્‍ચેની મુલાકાતે નવા પ્રશ્‍નો ઉભા કર્યા છે.

અમેરિકાએ પાકિસ્‍તાનના આર્મી ચીફને આમંત્રણ મોકલ્‍યું, શું ડોનાલ્‍ડ ટ્રમ્‍પ રમતની યોજના બનાવી રહ્યા છે? અસીમ મુનીર બેધારી તલવાર પર ચાલી રહ્યો છે, શાહબાઝે તેને અમેરિકામાં ખરાબ રીતે ફસાવી દીધો છે

આ બેઠક માટે ઘણા સંભવિત કારણો હોઈ શકે છે. પ્રથમ, અમેરિકાએ તાજેતરમાં આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્‍તાનને એક મહાન ભાગીદાર ગણાવ્‍યું છે. યુએસ સેન્‍ટ્રલ કમાન્‍ડ (સેન્‍ટકોમ) ના કમાન્‍ડર જનરલ માઈકલ કુરિલાએ ISIS-ખોરાસન સામે પાકિસ્‍તાનની કાર્યવાહીની પ્રશંસા કરી, ખાસ કરીને કાબુલના એબી ગેટ પર હુમલામાં સામેલ મુખ્‍ય આતંકવાદીની ધરપકડ માટે. બીજું, ચીન સાથે પાકિસ્‍તાનની ઊંડી ભાગીદારી, ખાસ કરીને બેલ્‍ટ એન્‍ડ રોડ ઈનિશિએટિવ (BRI) અને ચીન-પાકિસ્‍તાન ઈકોનોમિક કોરિડોર (CPEC), અમેરિકા માટે ચિંતાનો વિષય છે. મુનીરની મુલાકાતને અમેરિકા દ્વારા પાકિસ્‍તાનને પોતાના પક્ષમાં લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, જેથી તે ચીનના પ્રભાવને સંતુલિત કરી શકે.

આ ઉપરાંત, તાજેતરમાં એક ક્રિપ્‍ટોકરન્‍સી સોદો થયો છે. આ સોદામાં ટ્રમ્‍પ પરિવાર સાથે સંકળાયેલી કંપની વર્લ્‍ડ લિબર્ટી ફાઇનાન્‍શિયલનો પણ સમાવેશ થાય છે. આ સોદામાં મુનીરની સીધી સંડોવણી હોવાના અહેવાલો છે, જેના કારણે ભારત અને વોશિંગ્‍ટનમાં શંકા ઉભી થઈ છે. કેટલાક વિશ્‍લેષકો માને છે કે અમેરિકા પાકિસ્‍તાન સાથે આર્થિક અને સુરક્ષા સંબંધો મજબૂત કરીને મધ્‍ય એશિયામાં પોતાની સ્‍થિતિ મજબૂત કરવા માંગે છે. ઈરાન-ઇઝરાયલ તણાવને ધ્‍યાનમાં રાખીને આ વધુ મહત્‍વપૂર્ણ બન્‍યું છે. પાકિસ્‍તાને ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપ્‍યો છે.

આ બેઠક ભારત માટે ઘણા કારણોસર ચિંતાજનક છે. પ્રથમ, ભારત કાશ્‍મીર પર મુનીરના ઉશ્‍કેરણીજનક નિવેદનબાજી અને આતંકવાદને પ્રોત્‍સાહન આપવામાં તેની ભૂમિકા અંગે ચિંતિત છે. બીજું, અમેરિકા કાશ્‍મીર મુદ્દા પર મધ્‍યસ્‍થીનો પ્રસ્‍તાવ મૂકી રહ્યું છે. ભારતે તેને વારંવાર નકારી કાઢયું છે. મુનીરની આ મુલાકાત સાથે, કાશ્‍મીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવી શકે છે. ભારતે સ્‍પષ્ટ કર્યું છે કે કાશ્‍મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં.

મુનીરની મુલાકાતને અમેરિકાની પ્રાદેશિક રણનીતિમાં પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે. નિષ્‍ણાતો માને છે કે અમેરિકા પાકિસ્‍તાન સાથેના સંબંધોને સુરક્ષાથી આર્થિક અને સંસાધન આધારિત ભાગીદારીમાં બદલવા માંગે છે. ક્રિપ્‍ટોકરન્‍સી અને મહત્‍વપૂર્ણ ખનિજો જેવા વિષયો આ બેઠકના એજન્‍ડામાં હોઈ શકે છે. જોકે, ઈરાનને પાકિસ્‍તાનનો ટેકો અને ચીન સાથેની તેની ઊંડી ભાગીદારી અમેરિકા માટે ગૂંચવણો ઊભી કરી શકે છે.(૩૮.૧૫ )

(10:49 AM IST)