News of Saturday, 14th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી : રાત્રે ૯ વાગ્યા સુધીમાં ૧૯ મૃતકોના DNA સેમ્પલ મેચ થતા ઓળખ સુનિશ્ચિત થઈ!
રાહત અને ઓળખની કામગીરી પૂરજોશમાં : FSL અને NFSUની ટીમો દ્વારા રાતભર DNA મેચિંગનું કાર્ય ચાલુ : તમામ પાર્થિવ દેહ વહેલી તકે પરિવારજનોને સુપરત કરવા કવાયત

અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં ચાલી રહેલી રાહત અને મૃતકોની ઓળખની કામગીરી અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે ચાલી રહેલી DNA મેચિંગ પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેનાથી પીડિત પરિવારોને મોટી રાહત મળશે.
રાત્રે ૯:૦૦ વાગ્યા સુધીના અપડેટ મુજબ, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના કુલ ૧૯ DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ થઈ ચૂક્યા છે. આ મેચિંગ દ્વારા મૃતકોની ઓળખ સુનિશ્ચિત થઈ છે, જે પરિવારજનો માટે તેમના સ્વજનોના અંતિમ સંસ્કારની પ્રક્રિયા આગળ વધારવામાં મદદરૂપ થશે.
ગૃહમંત્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) યુનિટની ટીમ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ની ટીમ દ્વારા બાકી રહેલા DNA સેમ્પલ મેચ કરવા માટે આખી રાત અવિરતપણે કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય શક્ય તેટલી વહેલી તકે તમામ મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરી, તેમના પાર્થિવ દેહ સન્માનપૂર્વક પરિવારોને સુપરત કરવાનો છે.
સરકાર આ દુઃખદ ઘડીમાં પીડિત પરિવારોની પડખે ઊભી છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
