<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિમાન દુર્ઘટના બાદ સંકુચિતના સીમાડા તૂટ્યા :કુકી અને મેઈતેઈ સમુદાય નજીક આવ્યો : મણિપુરમાં શોકનું મોજું

કેબિન ક્રૂની બે મેમ્બર લેમનુંથીમ કૂકી સમાજમાંથી જ્યારે નગંથોઈ મેઈતેઈ સમાજની : દિલ્હીમાં કુકી વિદ્યાર્થી સંગઠનોએ પણ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ નીકળી :લેમનુંથીમ અને નગંથોઈ બન્નેના પરિવારના સભ્યો DNA ટેસ્ટ મેચિંગ માટે અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઑફ થયાની ગણતરીની મિનિટોમાં જ એર ઈન્ડિયાનું પ્લેન પ્રચંડ ધડાકા સાથે તૂટી પડ્યું હતુ. આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો મોતને ભેટ્યા છે. જેમાં કેબિન ક્રૂના સભ્યો પણ સામેલ છે. આ કેબિન ક્રૂની બે મેમ્બર લેમનુંથીમ કૂકી સમાજમાંથી આવતી હતી, જ્યારે નગંથોઈ મેઈતેઈ સમાજની હતી.

એકતરફ દેશના નોર્થ ઈસ્ટમાં આવેલ મણિપુર રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કુકી અને મેઈતેઈ સમુદાય વચ્ચે સતત હિંસા ભડકી રહી છે. આ બન્ને સમુદાય એકબીજાને પોતાના કટ્ટર દુશ્મન માની રહ્યાં છે. એવામાં આ બન્ને સમુદાયમાંથી આવતી ક્રૂ મેમ્બર લેમનુંથીમ અને નગંથોઈના અવસાનથી આ હિંસા થોડા સમય માટે થંભી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

મણિપુરથી માંડીને દિલ્હી સુધી સમગ્ર દેશમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. લેમનુંથીમ અને નગંથોઈ બ્નેના પરિવાર તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે અને નાગરિક સંગઠનો પણ લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે.

દિલ્હી સ્થિત મેઈતેઈ હેરિટેજ સોસાયટીના સભ્યોએ જણાવ્યું કે, સમગ્ર મણિપુર આ ગોઝારી દુર્ઘટનાને લઈને દુઃખી છે. અમે અમારા સમુદાયની સંકુચિત સીમાને સાઈડમાં રાખી છે. દિલ્હીમાં કુકી વિદ્યાર્થી સંગઠનોએ પણ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ નીકળી હતી. હાલ તો લેમનુંથીમ અને નગંથોઈ બન્નેના પરિવારના સભ્યો DNA ટેસ્ટ મેચિંગ માટે અમદાવાદ પહોંચ્યા છે.

(8:48 PM IST)