News of Saturday, 14th June 2025
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રાના સંદર્ભમાં રાજકોટમાં આગોતરા ટ્રાફિક પ્રતિબંધો જાહેર કરતા શહેર પોલીસ કમિશનર : જાણો સમગ્ર રૂટ
પોલીસ કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પડાયું : અંતિમયાત્રાના નિર્ધારિત રૂટ પર વાહન પ્રવેશ - નો-પાર્કિંગ પ્રતિબંધિત : જે દિવસે અંતિમયાત્રા નીકળશે, તેના એક કલાક પૂર્વે અમલ શરૂ થશે

રાજકોટ, 14 જૂન 2025: રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રાના સંદર્ભમાં, રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જે દિવસે અંતિમયાત્રા નીકળશે, તેના એક કલાક પહેલા નિર્ધારિત રૂટ પર આવતા તમામ રસ્તાઓ પર સામાન્ય વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ લાદવામાં આવશે.
પ્રતિબંધિત રૂટ અને વિસ્તારો:
જાહેરનામામાં જણાવ્યા મુજબ, અંતિમયાત્રાનો રૂટ અને તેના પર લાગુ પડનારા પ્રતિબંધિત વિસ્તારો નીચે મુજબ છે:
* પ્રકાશ સોસાયટી: પુજીત મકાનથી પ્રકાશ સોસાયટી મેઈન રોડ.
* નિર્મળા રોડ: નાગનાથ મહાદેવ મંદિરથી કોટેચા ચોક સુધી.
* કાલાવડ રોડ: કોટેચા ચોકથી સ્વામિનારાયણ મંદિર અને મહિલા કોલેજ અંડરબ્રિજ.
* ટાગોર રોડ: એસ્ટોન ચોકથી રાજમંદિર ફાસ્ટફૂડ ટી-પોઈન્ટ.
* યાજ્ઞિક રોડ: ડૉ. દસ્તુર માર્ગથી હરિભાઈ હોલ ચોક.
* મધ્ય રાજકોટના મુખ્ય ચોક: રાડીયાબંગલા ચોક, માલવીયા ચોક, ત્રીકોણબાગ ચોક, ઢેબર ચોક, આર.એમ.સી. ચોક.
* શહેરના અન્ય મુખ્ય માર્ગો: કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક, સાંગણવા ચોકથી રાજશ્રી સિનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી-પોઈન્ટ.
* રામનાથપરા સ્મશાન તરફના રૂટ્સ: કોઠારીયા પોલીસ ચોકી, વિરાણી વાડી ચોક, ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા સ્મશાન સુધી; ભાવનગર રોડ પાંજળાપોળથી રામનાથપરા સ્મશાન સુધી; અને ગઢનીરાંગ તરફ ભીચરીનાકાથી રામનાથપરા સ્મશાન સુધી.
ઉપરોક્ત તમામ રૂટના રોડ ઉપર, અંતિમયાત્રા સાથે જોડાયેલ અને સરકારી વાહનો સિવાય, તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ-બંધ અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
આ નિર્ણય સુચારુરૂપે અંતિમયાત્રા સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. રાજકોટની જનતાને આ જાહેરનામાનું પાલન કરવા અને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
