<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

જો હુમલા રોકવામાં નહીં આવે તો તેહરાનનું નામોનિશાન નહીં રહે: ઇઝરાયલના સંરક્ષણ પ્રધાનની ઈરાનને ખુલ્લી ચેતવણી

બંને દેશો વચ્ચેના આ સંઘર્ષે વિશ્વભરમાં ચિંતા વધારી છે: ઈરાનના સરમુખત્યાર પોતાના લોકોને બંધક બનાવી રહ્યા છે, ખાસ કરીને તેહરાનના રહેવાસીઓને ભારે કિંમત ચૂકવવી પડશે

નવી દિલ્હી : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે જ્યાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલાઓ કરીને બદલો લીધો છે, જેમાં ત્રણ લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઇઝરાયલે અગાઉ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને ઈરાનને ચેતવણી આપી છે કે જો મિસાઇલો છોડવામાં આવશે તો તેહરાન બળી જશે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષની જ્વાળાઓ ભયંકર સ્વરૂપ લઈ રહી છે. ઈરાને શનિવારે સવારે ઇઝરાયલ પર મિસાઇલ હુમલાઓનો બદલો લીધો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. અગાઉ, ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ અને ઈરાની સેના પર હુમલો કર્યો હતો. ઇઝરાયલનો દાવો છે કે તેણે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે આવું પગલું ભર્યું હતું. બંને દેશો વચ્ચેના આ સંઘર્ષે વિશ્વભરમાં ચિંતા વધારી છે.

ઈઝરાયલે તેના હુમલાઓમાં યુદ્ધ જહાજો અને પહેલાથી તૈનાત ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તેણે ઈરાનના ટોચના જનરલો અને નેતાઓને નિશાન બનાવ્યા હતા. બીજી તરફ, ઈરાને ઇઝરાયલ પર લગભગ 200 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા હતા, જેમાંથી મોટાભાગની ઇઝરાયલના હવાઈ સંરક્ષણ દ્વારા અટકાવવામાં આવી હતી. આમ છતાં, તેલ અવીવ અને જેરુસલેમમાં કેટલીક મિસાઇલો પડી, જેના કારણે નુકસાન થયું.

 

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હુમલાઓ વચ્ચે ઇરાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું, "જો ઈરાન ઇઝરાયલ પર મિસાઇલો છોડશે, તો તેહરાન આગમાં બળી જશે. ઈરાનના સરમુખત્યાર પોતાના લોકોને બંધક બનાવી રહ્યા છે, ખાસ કરીને તેહરાનના રહેવાસીઓને ભારે કિંમત ચૂકવવી પડશે.

આઇડીએફ ચીફ ઓફ સ્ટાફ, મોસાદના ડિરેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ કાત્ઝે આ નિવેદન આપ્યું હતું.

તેલ અવીવમાં મિસાઇલોનો વરસાદ

તેલ અવીવની બેલિન્સન હોસ્પિટલ અનુસાર, ઈરાનની મિસાઇલને કારણે એક મહિલાનું મોત થયું. આ પછી, આ હુમલામાં મૃત્યુઆંક વધીને ત્રણ થયો. હોસ્પિટલે સાત ઘાયલ લોકોની પણ સારવાર કરી. ઇઝરાયલની ફાયર સર્વિસે જણાવ્યું હતું કે એક મિસાઇલે તેલ અવીવમાં ઇમારતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, મેગન ડેવિડ એડોમ પેરામેડિક સર્વિસે જણાવ્યું હતું કે મધ્ય ઇઝરાયલમાં મિસાઇલ હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને 19 ઘાયલ થયા હતા. ચાર ઘરોને પણ ભારે નુકસાન થયું હતું.

(6:19 PM IST)