<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ટ્રમ્‍પ સામે ધોકો પછાડતા મસ્‍કઃ નિર્ણયોને ગણાવ્‍યા શરમજનક

દોસ્‍ત દોસ્‍ત ન રહા... એક વખતના સાથી હવે બન્‍યા પ્રખર ટીકાદાર : ટ્રમ્‍પના ટેક્ષ બિલ સામે મસ્‍કે વાંધો ઉઠાવ્‍યોઃ ગણાવ્‍યો ધૃણાસ્‍પદ નિર્ણયઃ બસ... હવે હું સહન કરી ન શકું: ૨.૫ ટ્રિલિયન ડોલરની ખોટની આપી ચેતવણી

વોશીંગ્‍ટન તા.૪: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્‍ક વચ્‍ચે બધુ બરાબર નથી. થોડા મહિના પહેલા સુધી ટ્રમ્‍પના સૌથી નજીકના મસ્‍ક હવે ટ્રમ્‍પ સરકારના નિર્ણયોની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્‍કે એક્‍સ પરની એક પોસ્‍ટમાં યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા સમર્થિત એક મોટા કર અને ખર્ચ બિલની આકરી ટીકા કરી છે અને તેને ‘‘ઘૃણાસ્‍પદ અને શરમજનક'' ગણાવ્‍યું છે.

મસ્‍કે ટ્‍વીટ કરીને વિરોધ વ્‍યક્‍ત કર્યો છે

મસ્‍કની ટિપ્‍પણી એવા સમયે આવી છે જ્‍યારે ટ્રમ્‍પે સેનેટ રિપબ્‍લિકનને બિલ પસાર કરવા વિનંતી કરી છે, જેને તેમણે ‘‘મોટું, સુંદર બિલ'' ગણાવ્‍યું છે. આ બિલને હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવ્‍સ દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે. મસ્‍કે મંગળવારે એક્‍સ પર લખ્‍યું, માફ કરશો, પરંતુ હું હવે તે સહન કરી શકતો નથી. આ એક વિશાળ, અપમાનજનક બિલ છે. જેમણે તેના માટે મતદાન કર્યું તેમને શરમ આવે. તમે જાણો છો કે તમે ખોટું કર્યું. તમે આ જાણો છો.આ સાથે જ મસ્‍કે લખ્‍યું કે, ‘‘માફ કરજો, પરંતુ હું હવે સહન નથી કરી શકતો... આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું, તેને ખુદ પર પણ શરમ આવવી જોઈએ. કારણ કે, તેઓ જાણે છે કે, તેમણે ખોટું કર્યું છે.''

મસ્‍ક સરકારી ખર્ચ ઘટાડવામાં રોકાયેલા હતા

ટેક અબજોપતિએ ગયા અઠવાડિયે અચાનક સરકારમાંથી રાજીનામું આપવાનો અને ડોજ તરીકે ઓળખાતી તેમની ટીમ સાથે ખર્ચ ઘટાડવા માટે ૧૨૯ દિવસ કામ કર્યા પછી પોતાના વ્‍યવસાય પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાનો નિર્ણય લીધો. સરકાર છોડ્‍યા પછી ટ્રમ્‍પ સાથે આ ટિપ્‍પણી તેમનો પહેલો જાહેર મતભેદ દર્શાવે છે, જેમણે અગાઉ આ યોજનાને ‘‘નિરાશાજનક'' ગણાવી હતી. ટ્રમ્‍પ વહીવટમાં મસ્‍કનો કાર્યકાળ ૩૧ મેના રોજ સમાપ્ત થયો હતો, જોકે ટ્રમ્‍પે કહ્યું હતું કે ‘‘તેઓ હંમેશા અમારી સાથે રહેશે અને દરેક રીતે મદદ કરશે.''

વ્‍હાઇટ હાઉસ તરફથી પ્રતિભાવ

વ્‍હાઇટ હાઉસના પ્રવક્‍તાએ મસ્‍કની ટીકાને રાજકીય રીતે પ્રેરિત અને તથ્‍યહીન ગણાવી હતી. તેમણે કહ્યું કે આ બિલ અમેરિકન લોકોની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્‍યું છે - જેમાં માળખાગત સુવિધાઓ, સંરક્ષણ અને આરોગ્‍યસંભાળ સંબંધિત મહત્‍વપૂર્ણ જોગવાઈઓનો સમાવેશ થાય છે. આવી સ્‍થિતિમાં, અબજોપતિ ઉદ્યોગપતિ માટે ફક્‍ત વ્‍યક્‍તિગત દૃષ્ટિકોણથી તેને‘‘ઘૃણાસ્‍પદ'' કહેવું ખૂબ જ દુર્ભાગ્‍યપૂર્ણ છે.

૨.૫ ટ્રિલિયન ડોલરના નુકસાનની ચેતવણી

મસ્‍કે ચેતવણી આપી કે, આ બિલ અમેરિકાની પહેલાંથી જ વિશાળ બજેટ ખાધને વધારીને ૨.૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડી દેશે, જેનાથી દેશ પર અસ્‍થિર દેવાનો ભાર વધુ વધશે.

ટ્રમ્‍પની ટીમથી અલગ થયા મસ્‍ક

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ઈલોન મસ્‍ક ‘‘ગવર્નમેન્‍ટ એફિશિઅન્‍સી વિભાગ'' (DOGE)ના ચીફ પદથી રાજીનામું આપી દીધું હતું, જેની જવાબદારી દેશના ખર્ચને ઘટાડવાની હતી. તેમણે આ બિલથી પણ પોતાના સ્‍પષ્ટરૂપે અલગ કરી દીધા છે.

ટ્રમ્‍પનો વિચાર નહીં બદલાય

વ્‍હાઇટ હાઉસની પ્રેસ કોન્‍ફરન્‍સમાં કેરોલીન લેવિટે ઈલોન મતાી ટીકાને વધુ મહત્ત્વ ન આપતા કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્‍પ પહેલાંથી જ જાણતા હતા કે, મસ્‍ક આ બિલને લઈને શું વિચારે છે, પરંતુ ઈલોન મસ્‍કના આ પગલાંથી ટ્રમ્‍પનો વિચાર નહીં બદલાય. ટ્રમ્‍પ આ બિગ બ્‍યૂટીફુલ બિલ સાથે ઊભા છે. જણાવી દઈએ કે, આ બિલને પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાની આર્થિક નીતિની કરોડરજ્જૂ જણાવી છે. જોકે, મસ્‍કે તેને અનિયંત્રિત ખર્ચનું પ્રતિક જણાવ્‍યું છે.

મસ્‍કે કરી હતી ૨૫૦ મિલિયન ડોલરની મદદ

ઈલોન મસ્‍કે ૨૦૨૪માં ચૂંટણી અભિયાન માટે ૨૫૦ મિલિયન ડોલરથી વધુનું દાન કર્યું હતું. ત્‍યારબાદ તેમને DOGE નામની પહેલ લીડ કરવા તેમના પ્રમુખ બનાવાયા હતા, પરંતુ હવે તેને બંધ કરી દેવામાં આવ્‍યું છે. DOGEનો હેતુ સરકારી બિનજરૂરી ખર્ચને ખતમ કરવાનો હતો. 

(9:55 AM IST)