<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ગુજરાતમાં રાશન દુકાનધારકોનો વિરોધ : આવતીકાલથી અનાજ વિતરણ બંધ રહેશે! : ૧૫,૦૦૦ દુકાનદારો ઉતરશે હડતાળ પર

૧૦૦% EKYC પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય : પ્રહલાદ મોદીએ સરકાર સામે બાંયો ચડાવી : કમિશનના મુદ્દે પણ સરકાર પર દબાણ

અમદાવાદ : ગુજરાતમાં આવતીકાલથી રાશન દુકાનધારકો દ્વારા અનાજ વિતરણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અનાજ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા શહેર અને જિલ્લાના સભ્યો સાથે મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરની ૧૫ હજાર જેટલી સરકારી અનાજની દુકાનો આ વિતરણ પ્રક્રિયાથી દૂર રહેશે.
EKYC મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી
એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી રેશનકાર્ડની ૧૦૦% EKYC (ઈલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "ઘરે ઘરે જઈને રેશન કાર્ડની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવી એ સરકારની ફરજ છે. રાજ્ય સરકારનો વિભાગ ફક્ત છાપામાં જાહેરાત આપે તે કેટલે અંશે યોગ્ય છે?"
પ્રહલાદ મોદીએ સરકાર પર દુકાનદારો પર દબાણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, "દુકાનદારોને દબાણ કરવાથી EKYC પૂર્ણ નહીં થાય, સરકારે તેના માટે નક્કર પગલા ભરવા પડશે." તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે આ અંગે કોર્ટમાં જઈને લડવા માટે પણ તૈયાર છીએ." એસોસિએશનનો આ નિર્ણય રબારી કોલોની ખાતે એક પાર્ટી પ્લોટમાં શહેર અને જિલ્લાના રેશન દુકાનદારોની ઉપસ્થિતિમાં લેવાયો હતો.
સરકાર પર નિષ્ફળતાનો આરોપ અને કમિશનનો મુદ્દો
એસોસિએશને ચિમકી ઉચ્ચારી છે કે, ૧૦૦% EKYC થશે બાદમાં જ વિતરણ શરૂ કરવામાં આવશે. દુકાનદારોનો આરોપ છે કે, EKYCની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને ખોટા આંકડા જાહેર કરી રહી છે. તેમનું કહેવું છે કે, આધારકાર્ડ અને મતગણતરી પ્રક્રિયાની જેમ EKYC પણ કરવું જોઈતું હતું, પરંતુ સરકારે તે કર્યું નથી.
EKYC ઉપરાંત, દુકાનદારોને મળતા ₹૨૦,૦૦૦/- કમિશન અંગેની પદ્ધતિ બદલવા માટે પણ સરકારે અપીલ કરી હતી, જે અંગે પણ વિતરણ વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ હડતાળને કારણે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે, અને સરકાર પર આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે દબાણ વધશે.

(5:15 PM IST)