<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

એમ્‍નેસ્‍ટી સ્‍કીમનો લાભ ઈન્‍કમટેક્‍સની માફક GSTમાં વેપારીને મળવો જોઈએ

ઇન્‍કમટેક્‍સમાં વેપારીની વિરુદ્ધમાં ચુકાદો આવે તો જ સ્‍કીમમાં જોડાય : અપીલમાં કરેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે તો જ સ્‍કીમનો મળતો લાભ

મુંબઈ,તા.૩૦: વેપારીઓ ટેક્‍સની રકમ ભરપાઈ કરે તો વ્‍યાજ અને દંડમાંથી માફી આપવા માટે જીએસટીમાં એમ્‍નેસ્‍ટી સ્‍કીમ લાગુ કરવામાં આવી છે. પરંતુ તેનો લાભ લેવા માટે અપીલમાં કરેલા તમામ કેસ પાછા ખેંચવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. જોકે ઇન્‍કમટેક્‍સમાં પણ આવી જ સ્‍કીમ લાવવામાં આવે તો જે કેસ હોય તે પૈકી કરદાતાની તરફેણમાં ચુકાદો આવવાની શકયતા હોય તેવા કેસ અપીલમાં જ ચલાવતા હોય છે. જ્‍યારે કરદાતાની તરફેણમાં ચુકાદો આવે તેમ નહીં હોય તેવા કિસ્‍સામાં એમ્‍નેસ્‍ટી સ્‍કીમનો લાભ લેતા હોય છે. આવી જ રીતની સ્‍કીમ જીએસટીમાં પણ અમલી બનાવવી જોઈએ. આ માટે વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ જીએસટીના ઉચ્‍ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.

જીએસટી હોય કે ઈન્‍કમટેક્‍સમાં એમ્‍નેસ્‍ટી સ્‍કીમ લાવવા પાછળનો હેતુ એવો હોય છે કે સરકારને આવક થાય અને વેપારીઓને કે કરદાતાને થતી તકલીફ દૂર કરી શકાય. સાથે સાથે અપીલમાં ચાલતા કેસનું પણ નિરાકરણ આવે તેવા આશયથી સમયાંતરે એમ્‍નેસ્‍ટી સ્‍કીમ લાગુ કરવામાં આવતી હોય છે. આ જ પ્રમાણેની સ્‍કીમ જીએસટીમાં તો લાગુ કરવામાં આવી છે. પરંતુ તેમાં જે રીતે ઇન્‍કમટેક્‍સની સ્‍કીમમાં ફાયદા મળતા હોય છે તેવા ફાયદા મળ્‍યા નથી. આ કારણોસર રજૂઆત પણ કરવામાં આવી છે.

વેપારીના અલગ અલગ મુદ્દાઓ પર પાંચથી સાત અપીલ કરવામાં આવી હોય છે. આ અપીલમાં વેપારીની તરફેણમાં એટલે કે વેપારી પાસે તે કેસને લગતા પૂરતા પુરાવા હોવાના લીધે અપીલમાં કેસ ચાલે તો વેપારી તરફે ચુકાદો આવવાનો હોય છે. જ્‍યારે જે કેસમાં ચુકાદો વેપારીની વિરુદ્ધમાં આવવાનો હોય તેવા કેસના નિકાલ માટે એમ્‍નેસ્‍ટી સ્‍કીમમાં જોડાતા હોય છે. આ જ રીતની સ્‍કીમ ઈન્‍કમટેક્‍સમાં લાગુ કરવામાં આવતી હોય છે. તેવી જ રીતનો લાભ વેપારીઓને જીએસટીમાં પણ આપવામાં આવે તો કેસનો ઝડપથી નિકાલ થવાની સાથે વેપારીઓને પણ રાહત થઇ શકે તેમ છે. આ માટે વિવિધ એસોસિયેશન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.(૪૦.૨)

(9:40 AM IST)