News of Thursday, 22nd May 2025
ગુજરાતમાં નકલી કોસ્મેટિક્સનું કૌભાંડ ઝડપાયું : સુરત, કેશોદ અને ગાંધીનગરમાં દરોડા : ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત!
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી : સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ભ્રામક જાહેરાતોથી વેચાણ કરતા ઈસમોને પકડી પાડવામાં આવ્યા

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ તેમજ કોસ્મેટિક ઉત્પાદનો મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અંતર્ગત, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી કોસ્મેટિક્સના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાંથી કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરાયા બાદ તેમાં ભેળસેળ જણાતા, ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલા ઈસમો વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું કે, આ કાર્યવાહી અંતર્ગત સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે દરોડા પાડીને આશરે ₹1 કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડી
તપાસમાં સામે આવ્યું છે કે, સુરત ખાતે કેટલાક ઈસમો કોસ્મેટિકનું લાયસન્સ વગર જ અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્સનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા. તેઓ આકર્ષક, ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતા લેબલ લગાડીને પર્ફોર્મન્સ ઓઈલ, સ્ટેમિના એનર્જી ઓઈલ, બુલ મસાજ ઓઈલ ફોર મેન, લિફ્ટ અપ હર્બલ મસાજ ઓઈલ જેવી પ્રોડક્ટ્સ બનાવતા હતા. આ ઉત્પાદનોની ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર મોટા પાયે જાહેરાતો કરીને Meesho જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું ગેરકાયદેસર કૃત્ય ચાલતું હતું.
આ સંદર્ભે, તંત્રના અધિકારીઓએ સુરતના રાજેશ ડાહ્યાભાઈ લાઠીયાના રહેણાંક મકાન પર દરોડો પાડતા પેકિંગ મટિરિયલ અને ડુપ્લિકેટ પ્રોડક્ટના ઓનલાઈન બોક્સ મોટી માત્રામાં મળી આવ્યા હતા. રાજેશ લાઠીયા તેમના અન્ય પાર્ટનર સાથે મળીને ઓનલાઈન બ્રાન્ડેડ ડુપ્લિકેટ કોસ્મેટિક્સનું રેકેટ ચલાવી રહ્યા હતા.
કેશોદ અને ગાંધીનગરમાં પણ કાર્યવાહી
આ જ પ્રકરણમાં જૂનાગઢની ટીમે કેશોદના કુલદીપ પટોળીયાના રહેઠાણ મકાનમાંથી પણ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવટો ઝડપી પાડી હતી, જેઓ Meesho પ્લેટફોર્મ પર ભાગીદારીથી વેચાણ કરતા હતા. તેમના ત્યાંથી બનાવટી કોસ્મેટિકના 14 નમૂના પૃથ્થકરણ અર્થે મોકલી આપીને આશરે ₹55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
વધુમાં, કમિશનરે ઉમેર્યું કે, સુરતની મે. WRIXTY AYURVEDA ના માલિક કૈશીક ધર્મેશભાઈ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન વિપુલ માત્રામાં બનાવટી કોસ્મેટિકનું વેચાણની માહિતી મળી હતી. જેના આધારે સુરત ખાતે દરોડો પાડી ખોટા લાયસન્સ નંબર છાપી બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઈસમો પ્રોડક્ટના લેબલ અને તૈયાર પ્રોડક્ટ મુંબઈના ક્રાફ્ટ માર્કેટ અને મુસાફિરખાના જેવા માર્કેટના એજન્ટો પાસેથી લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતા હતા. તેમના ત્યાંથી 05 નમૂના પૃથ્થકરણ માટે લઈને આશરે ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
ગાંધીનગરના પેથાપુર ખાતે મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદીપસિંહ છત્રસિંહ સોલંકી તેઓના ઘરેથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા મળી આવ્યા હતા. તેમના મકાનમાં ZEBA ZULF-E-HENNA (HENNA POWDER) અને HAIR COLOR NATURAL BLACK જેવી બનાવટી કોસ્મેટિકનું ઉત્પાદન થતું હતું. આ બાતમી મળતા વડી કચેરી ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન M/S. EXCELL IMPEX GUJARAT PVT. LTD., અમદાવાદ અને M/S. YUTVIKA NATURAL PVT LTD, રાજસ્થાનની કંપનીની ઉપરોક્ત બ્રાન્ડની ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતા ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમના ત્યાંથી 2 નમૂના પૃથ્થકરણ અર્થે લઈને ₹30 લાખની કિંમતના વેચાણનો પર્દાફાશ થયો હતો અને દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઈસમો પેકિંગ-પ્રિન્ટિંગ મટિરિયલ મે. શ્લોક ઇન્ડસ્ટ્રી, નરોડા, અમદાવાદના માલિક હિરેનભાઈ પાસેથી પ્રિન્ટ કરાવી મેળવતા હતા અને આ બાબતે કોઈ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા.
આ કાર્યવાહી દર્શાવે છે કે રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે કડક પગલાં લેવા કટિબદ્ધ છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
