News of Wednesday, 21st May 2025
કેરળમાં ચોમાસાનું આગમન થયું છતાં હવામાન વિભાગની 'ખેંચતાણ' : વેધર એનાલિસ્ટ વિશાલ પંસૂરિયાનો દાવો - 24 મે સુધી વિલંબ કરાશે!
વરસાદ, પવન અને વાદળોની પેટર્ન ચોમાસાની હાજરી સૂચવે છે, પરંતુ હવામાન વિભાગ પોતાની આગાહી સાચી ઠેરવવા 27 મેની રાહ જોવડાવશે?

રાજકોટ, 21 મે 2025: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસાના આગમનની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. ત્યારે કેરળમાં ચોમાસું બેસી ગયું હોવા છતાં હવામાન વિભાગ દ્વારા તેની સત્તાવાર જાહેરાત ન કરવા પાછળનું એક રસપ્રદ કારણ સામે આવ્યું છે. પ્રખ્યાત વેધર એનાલિસ્ટ વિશાલ પંસૂરિયાએ દાવો કર્યો છે કે, હવામાન વિભાગે અગાઉ 27 મેના રોજ ચોમાસાના આગમનનો અંદાજ જાહેર કર્યો હોવાથી, પોતાનો "કક્કો સાચો પાડવા" માટે 24 મે સુધી કેરળમાં ચોમાસું જાહેર કરવાનું ટાળી રહ્યું છે.
હવામાન પેટર્ન સ્પષ્ટ સંકેત આપે છે, છતાં સત્તાવાર જાહેરાતમાં વિલંબ
વિશાલ પંસૂરિયાના વિશ્લેષણ મુજબ, "હવામાન પેટર્ન, વાદળોનું બંધારણ, વરસાદ, પવનની દિશા અને સ્પીડ – આ બધા પરિબળોને હિસાબે કેરળમાં અત્યારે ચોમાસુ બેસી ગયેલું છે. પરંતુ હવામાન વિભાગે કેરળથી માત્ર 50 કિલોમીટર દૂર ચોમાસુ ઊભું રાખેલું છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, હવામાન વિભાગે અગાઉ 4 દિવસની એરર સાથે 27 તારીખનો અંદાજ જાહેર કર્યો હતો. તેથી, કેરળમાં ચોમાસુ જાહેર કરવા માટે તેને ખેંચીને 24 તારીખ સુધી લાવવામાં આવશે, જેથી તેમની અગાઉની આગાહી સાચી ઠરે.
આમ, જ્યારે વાસ્તવિક હવામાન પરિબળો કેરળમાં ચોમાસાના આગમનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાતમાં કરવામાં આવી રહેલો વિલંબ ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતો અને સામાન્ય જનતા આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આ 'ખેંચતાણ' કેટલો સમય ચાલશે તે જોવું રહ્યું.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
