<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ભારત સતત બીજા વર્ષે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સના વેચાણ મામલે આગળ

ચીનને પછાડીને વિશ્વનું સૌથી મોટું બજાર બન્યું ઃIEAના એક અહેવાલ મુજબ ૨૦૨૪માં તેનું વેચાણ ૨૦ ટકા વધીને ૭ લાખ વાહનો સુધી પહોંચી ગયું છે

નવી દિલ્હી, તા.૧૯

ભારતમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું વેચાણ ૨૦૨૪માં ૨૦ ટકા વધીને ૭ લાખ વાહનો સુધી પહોંચી ગયું છે. આ સાથે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના એક અહેવાલ મુજબ, ભારતને સતત બીજા વર્ષે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે વિશ્વનું સૌથી મોટું બજાર માનવામાં આવ્યું છે, જે ચીનથી આગળ છે. IEAનો ગ્લોબલ ઈફ આઉટલુક ૨૦૨૫ રિપોર્ટ દર્શાવે છે કે થ્રી-વ્હીલર બજાર ખૂબ જ કેન્દ્રિત છે, જેમાં ચીન અને ભારત ઇલેક્ટ્રિક અને ટ્રેડિશનલ થ્રી-વ્હીલર વેચાણમાં ૯૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, *છેલ્લા ત્રણ વર્ષમાં ચીનમાં થ્રી-વ્હીલરનું ઈલેક્ટ્રિફિકેશન ૧૫ ટકાથી ઓછા દરે સ્થિર રહ્યું છે. ૨૦૨૩માં ભારત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું અને ૨૦૨૪માં આ સ્થિતિ જાળવી રાખી છે, જેમાં વેચાણ વાર્ષિક ધોરણે ૨૦ ટકા વધીને લગભગ ૭,૦૦,૦૦૦ વાહનો થયું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે નવી પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ સરકારી સમર્થન સાથે આ વધતો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે, જે ૨૦૨૪ સુધીમાં ૩,૦૦,૦૦૦થી વધુ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સનો વ્યાપારી ઉપયોગ કરવામાં મદદ કરી છે.

અહેવાલ મુજબ ચીન, ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વિશ્વના સૌથી મોટા ટુ અને થ્રી-વ્હીલર બજારો છે, જે ૨૦૨૪ સુધીમાં વૈશ્વિક વેચાણમાં લગભગ ૮૦ ટકા હિસ્સો ધરાવે છે, આ પ્રદેશોમાં ખાનગી પેસેન્જર પરિવહનના પ્રાથમિક માધ્યમ તરીકે ટુ અને થ્રી-વ્હીલર વાહનો સેવા આપી રહ્યા છે.

IEAના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઇલેક્ટ્રિક કારનું કુલ વેચાણ ૨૦૨૪માં ૨ ટકા વધીને લગભગ ૧,૦૦,૦૦૦ યુનિટ થયું છે. ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩૫,૦૦૦ ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું, જે વાર્ષિક ધોરણે ૪૫ ટકાનો વધારો દર્શાવે છે. ભારતમાં ઈફ પર ઊંચી આયાત જકાત અને સ્થાનિક રીતે ઉત્પાદિત, સસ્તા ઇલેક્ટ્રિક મોડેલ્સની ઉપલબ્ધતાને કારણે ૨૦૨૪માં દેશના EV વેચાણમાં ચીની આયાતનો હિસ્સો ૧૫ ટકાથી નીચે રહ્યો છે. એકંદરે ૨૦૨૪માં બેટરી ઇલેક્ટ્રિક અને ICE કાર વચ્ચેનો સરેરાશ ભાવ તફાવત નાની કાર માટે ૧૫ ટકાથી ઓછો અને SUV માટે ૨૫ ટકાથી ઓછો થયો છે. IEAએ જણાવ્યું હતું કે, ૨૦૨૦થી ભારતમાં ઇલેક્ટ્રિક બસોના પરિચયમાં પણ ઝડપી વધારો જોવા મળ્યો છે, જેમાં ૨૦૨૪ના અંત સુધીમાં આ સંખ્યા ૩,૦૦૦થી લગભગ ચાર ગણી વધીને ૧૧,૫૦૦થી વધુ થઈ ગઈ છે.

(10:22 PM IST)