તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું :માછીમારોને ત્રણ-ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે : અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ 22 મેની આસપાસ આ જ વિસ્તારમાં લો-પ્રેશર સર્જાઇ શકે જે ઉત્તર દિશામાં આગળ વધીને મજબૂત થવાની શક્યતા

અમદાવાદ : અરબી સમુદ્રના પૂર્વ મધ્ય ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે. જેના પગલે અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સલામતીના ભાગરૂપે માછીમારોને આગામી ત્રણ-ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, 18 મે 2025ના રોજ ગઇકાલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું. જે આજે પણ જળવાયેલું છે. જ્યારે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આગામી 21 મેની આસપાસ કર્ણાટકના દરિયાકાંઠાથી દૂર પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા જણાઇ રહી છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ 22 મેની આસપાસ આ જ વિસ્તારમાં લો-પ્રેશર સર્જાઇ શકે છે. જે ઉત્તર દિશામાં આગળ વધીને મજબૂત થવાની શક્યતા છે. જેના પગલે પૂર્વમધ્ય અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ વિસ્તાર, માલદીવ અને કોમોરિન સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. તેમજ ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે. સક્રિય થઇ રહેલી આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
