તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
વેશપલટાનો ખેલ ખતમ! બાંગ્લાદેશથી ઘૂસી આવેલા ૬ લોકો પોલીસના સકંજામાં : અચાનક આવી દબોચ્યા!
દેહરાદૂન અને હરિદ્વારમાં ચાલી રહેલા મેગા ઓપરેશનમાં ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી : બનાવટી આધાર કાર્ડ અને ઓળખપત્રો સાથે પકડાયા : મદદ કરનારા બે પણ ઝડપાયા

દહેરાદૂન/હરિદ્વાર: ઉત્તરાખંડમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવા માટે ચાલી રહેલા સઘન અભિયાનમાં પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. દેહરાદૂન અને હરિદ્વારથી પોલીસે છ બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમને આશરો આપનારા બે ભારતીય વ્યક્તિઓની ધરપકડ કરી છે. દેહરાદૂનના એસએસપી અજય સિંહ બિષ્ટે સોમવારે આ માહિતી આપતા જણાવ્યું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સ્થાનિક ગુપ્તચર એકમ અને ક્લેમેન્ટાઉન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી ક્લેમેન્ટાઉન વિસ્તારના પોસ્ટ ઓફિસ રોડ પરથી પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા, જેઓ કોઈપણ માન્ય દસ્તાવેજો વિના અહીં રહેતા હતા.
પોલીસની ટીમે દરોડો પાડીને નિર્મલ રાય (ઉં.વ. ૩૫), શેમ રાય (ઉં.વ. ૩૩), તેની પત્ની લિપી રાય (ઉં.વ. ૨૭), મુનીર ચંદ્ર રાય ઉર્ફે ઉજ્જવલ (ઉં.વ. ૩૦), મુનીરનો ભત્રીજો કૃષ્ણા ઉર્ફે સંતોષ (ઉં.વ. ૨૮) અને તેમની સાથે રહેતા ચાર બાંગ્લાદેશી સગીર બાળકોને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત, પૂજા રાની (ઉં.વ. ૨૮) નામની એક ભારતીય મહિલા અને તેની સાથે રહેતો એક ભારતીય સગીર બાળક પણ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, એક પણ બાંગ્લાદેશી નાગરિક પાસપોર્ટ કે વિઝા જેવા કોઈ માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો. મુનીર પાસેથી બિહાર અને પશ્ચિમ બંગાળના સરનામાવાળા બે બનાવટી આધાર કાર્ડ અને બિહારનું એક નકલી કાયમી નિવાસ પ્રમાણપત્ર મળી આવ્યું હતું, જ્યારે કૃષ્ણા ઉર્ફે સંતોષ અને નિર્મલ રાય પાસેથી બાંગ્લાદેશી ઓળખ કાર્ડ મળી આવ્યા હતા.
પોલીસે પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા અને રહેવા બદલ ધરપકડ કરી હતી, જ્યારે પૂજા રાનીને આ ઘૂસણખોરોને મદદ કરવાના કાવતરા હેઠળ પકડવામાં આવી હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ચાર બાંગ્લાદેશી સગીર બાળકોને પોલીસ સુરક્ષા હેઠળ લેવામાં આવ્યા છે.
પૂછપરછમાં મુનીરે કબૂલ્યું કે તે ૧૨ વર્ષ પહેલાં ૧૬ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સરહદથી ભારતમાં દાખલ થયો હતો અને નોઈડામાં કામ કરતો હતો. ૨૦૧૬માં તેણે સિલિગુડીની એક મુસ્લિમ મહિલા પૂજા રાની ઉર્ફે રોસના સાથે લગ્ન કર્યા હતા. મુનીરે જણાવ્યું કે બિહારના એક કોન્ટ્રાક્ટર અલાઉદ્દીને તેને બાંગ્લાદેશથી ભારત આવવામાં મદદ કરી હતી અને તેને દેહરાદૂનના હરાવાલામાં લાવ્યો હતો. છ મહિના પહેલાં, મુનીરના કહેવાથી બાંગ્લાદેશથી ત્રણ લોકો અને ત્રણ મહિના પહેલાં તેનો ભત્રીજો કૃષ્ણા પણ દેહરાદૂન મજૂરી કરવા આવ્યા હતા, જેને દિલ્હીના એક કોન્ટ્રાક્ટરે મદદ કરી હતી.
દરમિયાન, હરિદ્વાર પોલીસે પણ હરકી પૌરી નજીકથી એક બાંગ્લાદેશી મહિલા રૂબીના અખ્તર ઉર્ફે રૂબી દેવી, તેના પતિ સંતોષ દુબે અને તેના પહેલા પતિના પુત્રની ધરપકડ કરી હતી. રૂબીના આઠ વર્ષ પહેલાં તેના પાંચ વર્ષના પુત્ર સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી આવી હતી અને બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવ્યા હતા. તેના પતિ સંતોષે તેના માટે આ બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. મહિલા બાંગ્લાદેશમાં રહેતા તેના પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં હતી. પોલીસે આ તમામ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને બાંગ્લાદેશીઓને મદદ કરનારા અન્ય લોકોની પણ શોધખોળ ચાલુ છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
