<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

અડધા કલાક સુધી મહિલા ટ્રેનના ટોયલેટમાં કેદ! રેલવેને ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો

રેલવેની વિચિત્ર દલીલ - ટોયલેટ ફ્રી, મુસાફર ગ્રાહક નહીં! કમિશને ખામીયુક્ત સેવા બદલ રેલવેને આડે હાથ લીધું

ભોપાલ: ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક મહિલાને અસહ્ય યાતના ભોગવવી પડી, જ્યારે તે લગભગ અડધા કલાક સુધી ટ્રેનના ટોયલેટમાં બંધ રહી ગઈ. આ ઘટનામાં રેલવેની બેદરકારી સામે ભોપાલ જિલ્લા ગ્રાહક આયોગે આકરૂ વલણ અપનાવ્યું છે. કમિશને રેલવેને સેવામાં ખામી બદલ મહિલાના પતિને ૪૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
રવિદાસ નગરના ઉમેશ પાંડેએ આ અંગે જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ૨૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ તેઓ ત્રિકુલ એક્સપ્રેસમાં તેમના પરિવાર સાથે કન્યાકુમારીથી ભોપાલ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની બર્થ તૂટી ગઈ હતી અને ટોયલેટ સીટ પણ ખરાબ હાલતમાં હતી. જ્યારે તેમની પત્ની ટોયલેટ ગઈ ત્યારે દરવાજો અંદરથી બંધ થઈ ગયો અને તેમની પાસે મોબાઈલ પણ નહોતો. આ કારણે તે લગભગ ૩૦ મિનિટ સુધી ટોયલેટમાં કેદ રહી હતી.
મહિલાએ ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો. આખરે સાથી મુસાફરોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ પાંડેએ રેલવેની બેદરકારી સામે ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે ટિકિટની નકલ, ઓનલાઈન ફરિયાદની વિગતો અને કોચના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા.
સુનાવણી દરમિયાન રેલવેએ એક વિચિત્ર દલીલ કરી હતી. રેલવેના વકીલે દાવો કર્યો હતો કે મુસાફરો માત્ર ટિકિટ ખરીદે છે, જે તેમને મુસાફરીનો અધિકાર આપે છે, સુવિધાઓનો નહીં. એટલું જ નહીં, રેલવેએ એમ પણ કહ્યું કે ટોયલેટની સુવિધા તો મફત હોય છે, તેથી મુસાફરને ગ્રાહક માની શકાય નહીં અને આ કેસ રદ થવો જોઈએ.
જો કે, ગ્રાહક કમિશને રેલવેની આ દલીલને તદ્દન ફગાવી દીધી હતી. કમિશને જણાવ્યું કે રેલવે મુસાફરોને સલામત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે બંધાયેલી છે અને ટોયલેટ જેવી મૂળભૂત સુવિધાને મફત ગણીને જવાબદારીમાંથી છટકી શકાય નહીં. કમિશને રેલવેની સેવામાં સ્પષ્ટ ખામી ગણીને તેમને ૪૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઘટના રેલવે તંત્ર માટે એક બોધપાઠ સમાન છે કે મુસાફરોની સુવિધા અને સલામતી સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.

 

(6:35 PM IST)