News of Monday, 12th May 2025
પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ હતી : ભારત તેની ન્યુક્લિયર કમાન્ડને નિષ્ક્રિય કરી શકે તેમ હતું : અમેરિકન અખબારનો ઘટસ્ફોટ
ભારતીય એરફોર્સના હુમલા બાદ પાકિસ્તાનને તેના પરમાણુ કમાન્ડ પર ભારતીય હુમલાનો ડર સતાવી રહ્યો હતો

નવી દિલ્હી : ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા તેના પરમાણુ કમાન્ડ ઓથોરિટી પર સંભવિત ભારતીય હુમલાને લઈને હતી. અહેવાલ અનુસાર, અમેરિકાના એક પૂર્વ અધિકારીએ ખુલાસો કર્યો કે પાકિસ્તાનને ડર હતો કે ભારત તેની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીને ‘ડિકેપિટેટ’ એટલે કે નિષ્ક્રિય અથવા ખતમ કરી શકે છે. આ ડર ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત નૂર ખાન એરબેઝ પર ભારત તરફથી મિસાઈલ હુમલો કરવામાં આવ્યો.
અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને આ હુમલાને એક ચેતવણી તરીકે જોયો - આ સંકેત હતો કે ભારત ઇચ્છે તો પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા પર સીધો પ્રહાર કરી શકે છે. નોંધનીય છે કે નૂર ખાન એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્યાલયથી વધુ દૂર નથી, જે દેશના પરમાણુ હથિયારોની દેખરેખ રાખે છે.
માનવામાં આવે છે કે પાકિસ્તાન પાસે લગભગ 170 પરમાણુ વોરહેડ્સ છે અને તેમાંથી કેટલાક આ જ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે ભારતે અહીં હુમલો કર્યો, ત્યારે પાકિસ્તાનને આશંકા થઈ કે હવે પછીનું લક્ષ્ય તેના પરમાણુ નિયંત્રણ તંત્ર પર હોઈ શકે છે.
આ પરિસ્થિતિએ વોશિંગ્ટન અને પ્રાદેશિક દેશોને પણ ચિંતામાં મૂકી દીધા હતા. અમેરિકી વહીવટીતંત્ર અને ખાડી દેશોના નેતાઓએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે સતત પ્રયાસો કર્યા. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ટીવી પર અમેરિકાનો આભાર પણ માન્યો કે તેમણે યુદ્ધવિરામ કરાવવામાં ભૂમિકા ભજવી.
જો કે, ભારતે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયામાં અમેરિકાનો કોઈ સીધો હસ્તક્ષેપ નહોતો. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને શંકા હતી કે ભારત આ વખતે ઇસ્લામાબાદ પર સીધો હુમલો કરી શકે છે. આ જ ડરને કારણે પાકિસ્તાન તેના સંવેદનશીલ ઠેકાણાઓને ભારતીય લડાકુ વિમાનો અને મિસાઇલોથી બચાવવા માટે તત્પર થઈ ગયું હતું.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
