News of Sunday, 11th May 2025
ઈન્દોરમાં ફરી દહેશત! હોલકર સ્ટેડિયમ બાદ બોમ્બે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઈમેલથી ફફડાટ
હોસ્પિટલની ઓફિશિયલ ઈમેલ આઈડી પર ધમકીભર્યો પત્ર : અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ

ઈન્દોર : ઈન્દોરમાં હોલકર સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે બોમ્બે હોસ્પિટલને પણ આવી જ ધમકી મળતા શહેરમાં ફરીથી દહેશતનો માહોલ સર્જાયો છે. હોસ્પિટલની ઓફિશિયલ ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો પત્ર આવ્યો છે, જેના કારણે હોસ્પિટલ પ્રબંધનમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
બોમ્બે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી [email protected] નામની આઈડી પરથી હોસ્પિટલની ઓફિશિયલ મેલ આઈડી પર મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલ દ્વારા મળી છે. ધમકી મળતા જ હોસ્પિટલના સંચાલક પ્રશાસને તાત્કાલિક લસૂડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈન્દોરના હોલકર સ્ટેડિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે ધમકીભર્યા ઈમેલમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સચિવની ઓફિશિયલ ઈમેલ એડ્રેસ પર ધમકીભર્યો ઈમેલ મળવાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. તે ધમકીભર્યા ઈમેલમાં સ્ટેડિયમ અને હોસ્પિટલ બંનેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સચિવે તરત જ આ ઈમેલની જાણ તુકોગંજ પોલીસને કરી હતી. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચીને હોલકર સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નહોતું.
પોલીસના જણાવ્યા અનુસાર, અંગ્રેજીમાં આવેલા આ ઈમેલમાં લખ્યું હતું કે તમારા સ્ટેડિયમમાં ધમાકો થશે. પાકિસ્તાન સાથે પંગો ન લો. તમારી સરકારને સમજાવો. પાકિસ્તાનના વિશ્વસનીય સ્લીપર સેલ દેશભરમાં છે. ઓપરેશન સિંદૂરના કારણે તમારા સ્ટેડિયમ અને હોસ્પિટલમાં બ્લાસ્ટ થઈ શકે છે. આ જ પ્રકારની ધમકી હવે બોમ્બે હોસ્પિટલને પણ મળી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
