News of Saturday, 10th May 2025
પાકિસ્તાનનું યુદ્ધવિરામ ભંગ : ભારતે આપ્યો જડબાતોડ જવાબ : પેશાવરમાં જોરદાર ધડાકા
શ્રીનગરમાં ડ્રોન હુમલા વચ્ચે ભારતીય એર ડિફેન્સે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા : પંજાબ અને રાજસ્થાનમાં બ્લેકઆઉટ ચાલુ

નવી દિલ્હી : પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ડ્રોન પેશાવર એરપોર્ટ નજીક પહોંચી ગયા હતા, જ્યાં જોરદાર ધડાકા સંભળાયા હતા.
ભારતે જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારની ફાયરિંગ અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાની સંમતિ દર્શાવ્યાના થોડા કલાકો બાદ જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને શ્રીનગરમાં ડ્રોનથી હુમલો કર્યો. ભારતીય એર ડિફેન્સે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડતા લાલ લીટા અને ધડાકા જોવા મળ્યા હતા. શ્રીનગરમાં પણ જોરદાર ધડાકા સંભળાયા હતા. પંજાબના પઠાણકોટ અને ફિરોઝપુર તેમજ રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે ફાયરિંગ અને લશ્કરી કાર્યવાહી રોકવા અંગે સમજૂતી થઈ હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભારત આતંકવાદ સામે મક્કમ અને સમાધાન વગરનું વલણ જાળવી રાખશે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મીડિયાને જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ શનિવારે બપોરે તેમના ભારતીય સમકક્ષનો સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે સંમતિ થઈ હતી કે ભારતીય સમય અનુસાર ૧૭:૦૦ વાગ્યાથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ફાયરિંગ અને લશ્કરી કાર્યવાહી બંધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના જવાબમાં ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં નવ આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને આર્ટિલરી ગન અને ડ્રોનનો ઉપયોગ કરીને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
