News of Saturday, 10th May 2025
સરહદ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા BSFને છૂટો દોર : ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ : જુઓ વિડીયો
પઠાણકોટમાં ભારતીય એર ડિફેન્સ દ્વારા ડ્રોન તોડી પડાયા : પોખરણમાં પાકિસ્તાની ડ્રોન ઝડપાયા : જમ્મુ સરહદ પર મોર્ટાર અને શેલિંગ ચાલુ : ડેલહાઉસીમાં બ્લેકઆઉટ

જમ્મુ : સરહદ પર પાકિસ્તાન દ્વારા વારંવાર થઈ રહેલા યુદ્ધવિરામ ભંગ અને આતંકવાદી ઘૂસણખોરીના પ્રયાસોને જોતા, ભારત સરકારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને પાકિસ્તાનને સખત જવાબ આપવા માટે સંપૂર્ણ છૂટો દોર આપી દીધો છે.
સૂત્રોના અહેવાલ અનુસાર, પઠાણકોટમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ (ADS) દ્વારા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાની જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સતર્ક BSF જવાનો દ્વારા તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. પોખરણમાં પણ પાકિસ્તાની ડ્રોનને ભારતીય સુરક્ષા દળોએ ઝડપી પાડ્યા છે.
સાવચેતીના ભાગરૂપે હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ સરહદ પર પણ પાકિસ્તાન તરફથી મોર્ટાર અને શેલિંગ ચાલુ છે, જે તેમની નાપાક હરકતો દર્શાવે છે. આ ઘટનાક્રમ સ્પષ્ટપણે સૂચવે છે કે પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળો સરહદ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને પાકિસ્તાનના કોઈપણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
