<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાકિસ્‍તાનના સુરક્ષા સલાહકારે મોડી રાત્રે અજિત ડોભાલને ફોન કર્યો ?

તુર્કી મીડિયાનો દાવો : પાકિસ્‍તાને આ વાતચીતની પુષ્ટિ કરી છે : આ સંપર્કને બે પરમાણુ શકિત ધરાવતા દેશો વચ્‍ચે તણાવ ઘટાડવાના પ્રયાસ તરીકે જોવાઇ રહયા છે

નવી દિલ્‍હી, તા.૮: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્‍તાનની અંદર આતંકવાદીઓ સામે ભારતના ઓપરેશન સિંદૂરથી પડોશી દેશ ગુસ્‍સે છે. એક તરફ પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ધમકીઓ આપી રહ્યા છે, તો બીજી તરફ તેમની જ સરકારના પ્રધાનો ભારત સાથે તણાવ ઓછો કરવા વિનંતી કરી રહ્યા છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્‍તાનના રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) એ તેમના ભારતીય સમકક્ષ અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી છે.

તુર્કી ટીવી ચેનલ TRT વર્લ્‍ડના અહેવાલ મુજબ, આ વાતચીત બુધવારે મોડી રાત્રે થઈ હતી. એટલે કે, ભારતીય સેના દ્વારા સરહદ પાર આતંકવાદી માળખા પર કરવામાં આવેલી ચોક્કસ કાર્યવાહીના એક દિવસ પછી, પાકિસ્‍તાની NSA એ કથિત રીતે ડોભાલ સાથે ફોન પર વાત કરી છે. TRT વર્લ્‍ડને આપેલા ઇન્‍ટરવ્‍યુમાં, પાકિસ્‍તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે આ વાતચીતની પુષ્ટિ કરી છે. ચેનલ અનુસાર, આ વાતચીત ભારતના NSA અજિત ડોભાલ અને પાકિસ્‍તાનના NSA અસીમ મલિક વચ્‍ચે થઈ હતી. ૨૨ એપ્રિલે કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ પહેલી સીધી વાતચીત છે.

અહેવાલ મુજબ, ડારે આ વાતચીત વિશે વધુ માહિતી આપી ન હતી, પરંતુ TRT વર્લ્‍ડે અહેવાલ આપ્‍યો છે કે આ સંપર્કને બે પરમાણુ શક્‍તિ ધરાવતા દેશો વચ્‍ચે તણાવ ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. જો કે, ભારત કે પાકિસ્‍તાનની કોઈપણ સત્તાવાર એજન્‍સી દ્વારા અત્‍યાર સુધી આ ટેલિફોન કોલની પુષ્ટિ કરવામાં આવી નથી.

૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્‍થાનિક પોની ડ્રાઇવર માર્યા ગયા હતા. આ પછી, ભારતે વળતો જવાબ આપ્‍યો અને સરહદ પારના આતંકવાદી માળખાને નિશાન બનાવ્‍યું. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્‍યું. બુધવારે, આ ઓપરેશનના વીડિયો અને ચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.

(12:05 PM IST)