News of Thursday, 8th May 2025
દિલ્હી એરપોર્ટ પર કરોડોની લક્ઝરી ઘડિયાળો સાથે વિદેશી નાગરિકની ધરપકડ : ૨.૫ કરોડની દાણચોરીનો પર્દાફાશ
હોંગકોંગના પાસપોર્ટ ધારક પાસેથી ૮૩ લાખની કિંમતની પાટેક ફિલિપની ઘડિયાળ જપ્ત : અગાઉ પણ ૨.૫ કરોડની ઘડિયાળોની દાણચોરી કબૂલ

નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર કસ્ટમ અધિકારીઓએ લક્ઝરી ઘડિયાળોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં હોંગકોંગના પાસપોર્ટ ધારક એક વિદેશી નાગરિકને પાટેક ફિલિપ બ્રાન્ડની એક મોંઘી ઘડિયાળ સાથે પકડવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ૮૩ લાખ રૂપિયા છે.
આરોપી ૪ મે, ૨૦૨૫ના રોજ હોંગકોંગથી નવી દિલ્હી પહોંચ્યો હતો. કસ્ટમ તપાસ દરમિયાન તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ હતી, ત્યારબાદ તેની સઘન તપાસ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે તે આ ઘડિયાળને ભારતમાં કસ્ટમ ડ્યૂટી ચૂકવ્યા વિના લાવ્યો હતો, જેથી તેને આર્થિક લાભ મળી શકે.
કસ્ટમ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે આ પહેલાં પણ તે ચાર લક્ઝરી ઘડિયાળોની દાણચોરી કરી ચૂક્યો છે, જેની કુલ કિંમત લગભગ ૨.૫ કરોડ રૂપિયા હતી. આ ઘડિયાળો ભારતમાં બે ભારતીય નાગરિકોને સોંપવામાં આવી હતી, જેઓ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હાઈ-પ્રોફાઈલ ગ્રાહકોને વેચતા હતા.
કસ્ટમ વિભાગની ટીમે બંને ભારતીય રિસીવરોની પણ ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ નિયમિત રૂપે ઉપરોક્ત વિદેશી નાગરિક પાસેથી મોંઘી ઘડિયાળો મેળવતા હતા અને તેને ભારતમાં ઊંચા ભાવે વેચતા હતા. તપાસ દરમિયાન એક અન્ય ભારતીય ગ્રાહકને પણ પકડવામાં આવ્યો હતો, જેની પાસેથી ૫૦ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ રોકડ તેણે તાજેતરમાં જ પકડાયેલી પાટેક ફિલિપ ઘડિયાળ માટે આંશિક ચુકવણી તરીકે આપવાની હતી. તેણે એ પણ સ્વીકાર્યું હતું કે તે પહેલાં પણ દાણચોરી કરેલી ઘડિયાળો ખરીદી ચૂક્યો છે.
પકડાયેલી લક્ઝરી ઘડિયાળ અને ૫૦ લાખની રોકડને કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની કલમ ૧૧૦ હેઠળ જપ્ત કરવામાં આવી છે. જ્યારે, વિદેશી નાગરિક અને ત્રણ ભારતીય નાગરિકોને કસ્ટમ્સ એક્ટની કલમ ૧૦૪ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે આ કેસ માત્ર વ્યક્તિગત દાણચોરીનો નથી પરંતુ એક સંગઠિત ગેંગનો ભાગ હોઈ શકે છે, જેની તપાસ હવે વિસ્તૃત કરવામાં આવી રહી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
