<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પૂંછમાં પાકિસ્‍તાની સેનાના ગોળીબારમાં છ લોકોના મોતઃ ૨૦થી વધુ ઘાયલ

જમ્‍મુ અને કાશ્‍મીરમાં ૬ અને ૭ મેની રાત્રે પાકિસ્‍તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્‍મુ અને કાશ્‍મીરની સામેની આંતરરાષ્‍ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો

જમ્‍મુ, તા.૭: પાકિસ્‍તાની સેનાએ જમ્‍મુ-કાશ્‍મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્‍ટ્રીય સરહદ પર આખી રાત ભારે ગોળીબાર કર્યો. પૂંછ, રાજૌરી અને ઉરીમાં પાકિસ્‍તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં છ લોકો માર્યા ગયા છે જ્‍યારે ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ગોળીબારમાં ઘરોને પણ નુકસાન થયું છે. ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્‍યા છે. પાકિસ્‍તાની સેનાએ ઉત્તર કાશ્‍મીરના તંગધારમાં નિયંત્રણ રેખા નજીક કાશ્‍મીરના નાગરિકોને નિશાન બનાવ્‍યા છે. તોપમારાથી એક કાશ્‍મીરી નાગરિકનું આખું ઘર બળીને રાખ થઈ ગયું.

સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્‍યું હતું કે ભારતે પાકિસ્‍તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ પાકિસ્‍તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ પણ આનો જવાબ આપ્‍યો છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે ૬ અને ૭ મેની રાત્રે, પાકિસ્‍તાની સેનાએ નિયંત્રણ રેખા અને આંતરરાષ્‍ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી જમ્‍મુ અને કાશ્‍મીરના ઘણા વિસ્‍તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો. તંગધારમાં નિયંત્રણ રેખા પાસે અંધાધૂંધ ગોળીબાર થયો. પૂંછમાં પાકિસ્‍તાન દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં છ નાગરિકોના મોત થયા. ૨૦ થી વધુ ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પૂંછમાં ગોળીબારમાં માર્યા ગયેલા નાગરિકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જેનું ઘર પૂંછ જિલ્લાના માનકોટ વિસ્‍તારમાં મોર્ટાર શેલથી અથડાયું હતું. તેમની ૧૩ વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી. તેમણે કહ્યું કે પાકિસ્‍તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં પૂંછના વિવિધ સેક્‍ટરમાં ૧૨ અન્‍ય નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમની હાલત સ્‍થિર હોવાનું જણાવાયું છે. રાજૌરીના થાંડિકાસીમાં પાકિસ્‍તાનના ગોળીબારમાં બે મહિલાઓ સહિત ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે. તે જ સમયે, મંગળવાર અને બુધવારની મધ્‍યરાત્રિએ, પાકિસ્‍તાની સેના દ્વારા ઉરી સેક્‍ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્‍યો હતો. ગોળીબારમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા દસ નાગરિકો ઘાયલ થયા હતા અને અનેક ઘરોને નુકસાન થયું હતું.

સ્‍થાનિક સૂત્રોએ જણાવ્‍યું હતું કે ઉરીના સલામાબાદના નૌપોરા અને કાલગે વિસ્‍તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્‍યો હતો, જેનાથી અનેક ઘરોને નુકસાન થયું હતું અને ગભરાટ ફેલાયો હતો. તેમણે કહ્યું કે નવ ઘાયલ નાગરિકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

તોપમારો ખૂબ જ તીવ્ર હતો, જેના કારણે ઘણા પરિવારોને સુરક્ષિત સ્‍થળોએ ભાગી જવાની ફરજ પડી, એક સ્‍થાનિક રહેવાસીએ જણાવ્‍યું. જે ઘરોનો નાશ થયો છે તેમાં સલામાબાદમાં તાલિબ હુસૈન અને ડૉ. બશીર અહમદના ઘરોનો પણ સમાવેશ થાય છે. નિયંત્રણ રેખા નજીક કર્નાહ સેક્‍ટરમાં અનેક વાહનો, ઘરો અને દુકાનોને પણ નુકસાન થયું હતું. ભારતીય સેનાએ કહ્યું કે તેણે યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્‍ય જવાબ આપ્‍યો.

માનકોટ ઉપરાંત, જમ્‍મુ ક્ષેત્રના રાજૌરી જિલ્લાના પૂંછ, લામ, માંજાકોટ અને ગંભીર બ્રહ્માના કળષ્‍ણા ઘાટી અને શાહપુર સેક્‍ટર અને ઉત્તર કાશ્‍મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લાના કરનાહ અને ઉરી સેક્‍ટરમાં સરહદ પારથી ભારે ગોળીબાર જોવા મળ્‍યો. સરહદની રક્ષા કરી રહેલા ભારતીય સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્‍યો અને છેલ્લા અહેવાલો પ્રાપ્ત થાય ત્‍યાં સુધી બંને પક્ષો વચ્‍ચે સરહદ પારથી ગોળીબાર ચાલુ હતો, એમ અધિકારીઓએ જણાવ્‍યું હતું.

અધિકારીઓએ આદેશ આપ્‍યો છે કે બુધવારે જમ્‍મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રહેશે. ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે હ્‍ ને જણાવ્‍યું હતું કે વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, જમ્‍મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં આજે બધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રહેશે. (રર.૪)

(10:13 AM IST)