News of Wednesday, 7th May 2025
વ્હેલી સવારે ૧.૨૮AMથી ૧.૫૧ AM... ૨૩ મિનિટમાં ધડાકાઓથી હચમચી ઉઠયું પાકિસ્તાન
ભારતીય સેનાએ મધરાતે ૧.૨૮ વાગ્યે રેડી ટુ સ્ટ્રાઇક, ટ્રેન્ડ ટુ વીન પોસ્ટ કરી :૨૩ મિનિટમાં POK અને પાકિસ્તાનમાં ૯ સ્થળોએ લક્ષિત હુમલા કરવામાં આવ્યા. ૧.૫૧એ સેનાએ લખ્યું, ન્યાય મળ્યો! એટલે કે ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું

નવી દિલ્હી,તા.૦૭: બુધવારની મધરાતે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું. આર્મીએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર(POK)માં આતંકીઓના નવ ઠેકાણા પર સટીક અને મર્યાદિત હુમલા કર્યા. આ કાર્યવાહી એકદમ ઉશ્કેરણી વગરની રહી અને કોઈ પણ પાકિસ્તાની સૈન્યના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા નથી. હુમલા એ જગ્યા પર થયા જ્યાં ભારત પર આતંકી હુમલાના કાવતરા ઘડવામાં આવતા હતા. આખરે સેનાએ ૧.૫૧ પર પુષ્ટિ કરી કે, પહેલગામ આતંકી હુમલામાં ન્યાય મળ્યો. નીચે વાંચો ઓપરેશન સિંદૂરની ટાઈમલાઈન.
૧.૨૮ AM ભારતીય સેનાના ઓફિશિયલ હેન્ડલ ADGPIએ ટ્વિટ કર્યું-હરણ સન્નિહિતાહ, જયાય પ્રશિક્ષિતા એટલે હુમલો કરવા માટે તૈયાર, વિજય માટે પ્રશિક્ષિત. આનાથી ઓપરેશન શરૂ થવાનો સંકેત મળ્યો.
૧.૨૮ AMથી ૧.૫૧ AM વાગ્યાની વચ્ચે, પાકિસ્તાનના ઘણા ભાગોમાં જોરદાર વિસ્ફોટો થયા. ખાસ કરીને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોમાં, સ્થાનિક લોકોએ ગ્રીડ સ્ટેશનો પર મિસાઇલ હુમલા વિશે વાત કરી. આખા પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ હતો.
અમેરિકાને આ વિશે જાણ કરવામાં આવી હતી
આ વચ્ચે, સમાચાર આવ્યા કે ભારતના સંરક્ષણ મથકો સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર છે. બધા હવાઈ સંરક્ષણ એકમો સક્રિય કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, NSA અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ પ્રધાન માર્કો રુબિયોને કાર્યવાહી વિશે માહિતી આપી. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી છે. આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમને હમણાં જ આ વિશે માહિતી મળી છે, મને આશા છે કે આ લડાઈ ટૂંક સમયમાં સમાપ્ત થશે. તે જ સમયે, યુએસ વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ હાલમાં કોઈ ટિપ્પણી કરી શકતા નથી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત માતા કી જય! કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ આ જ ટ્વિટ કર્યું. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, જય હિંદ, જય હિંદ કી સેના! આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, જય હિંદ! ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે - આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવો અને સંદેશ આપવો કે ભારત પર હુમલો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. આ સમગ્ર કાર્યવાહી પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે જેમાં ૨૫ ભારતીયો અને એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યા હતા. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ચોક્કસ જવાબ આપવામાં આવશે અને આજે એવું જ થયું.(૪૦.૫)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
