<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ઓપરેશન સિંદૂરના પ્રથમ તબક્કાનું સફળ સમાપન: ભારતે ૯ આતંકી ઠેકાણાં નષ્ટ કર્યાં, કોઈ ભારતીય વિમાનને નુકસાન નહીં

ભારતીય મિસાઈલ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઉચ્ચ નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા: લગભગ ૮૦ આતંકવાદીઓને ફૂંકી માર્યા

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી જૂથો સામેના ઓપરેશન સિંદૂરના પ્રથમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતીય સેનાએ આજે સવારે ૧:૪૪ વાગ્યે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (પીઓકે)માં ૯ આતંકવાદી ઠેકાણાં પર ચોક્કસ મિસાઈલ હુમલા કરીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કર્યાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં ભારતીય હવાઈ દળનું કોઈ વિમાન ન તો ગુમાવ્યું છે કે ન તો તેને કોઈ નુકસાન થયું છે. આવો પરેશાનમાં ભારતીય ફાઈટર વિમાનો પાકિસ્તાનની હદમાં પ્રવેશ્યા ન હતા અને મિસાઈલો દ્વારા આતંકી અડ્ડાઓનું સફાયો કરવામાં આવેલ. ભારતીય સેના આજે સવારે ૧૦:૦૦ વાગ્યે પ્રેસ બ્રીફિંગમાં ઓપરેશન સિંદૂરની વધુ વિગતો જાહેર કરશે.

પહેલગામ હુમલાનો બદલો: ઓપરેશન સિંદૂર ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ૨૫ ભારતીય નાગરિકો અને ૧ નેપાળી નાગરિક સહિત ૨૬ લોકો માર્યા ગયા હતા. ભારતીય દૂતાવાસે અમેરિકામાં જણાવ્યું હતું કે, પહેલગામ હુમલામાં પાકિસ્તાન આધારિત આતંકવાદીઓની સંડોવણીના પુરાવા, ટેકનિકલ ઇનપુટ્સ અને બચી ગયેલા લોકોની જુબાની ઉપલબ્ધ છે.

ઓપરેશનની વિગતો: ભારતીય સેના, નૌસેના અને હવાઈ દળના સંયુક્ત ઓપરેશન હેઠળ ચલાવવામાં આવેલા આ હુમલામાં ચોક્કસ હથિયારો અને "આધુનિક વેપન સિસ્ટમ્સ"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાના લક્ષ્યોમાં પાકિસ્તાનના બહાવલપુર, મુરીદ્કે અને સિયાલકોટ તેમજ પીઓકેના મુઝફ્ફરાબાદ અને કોટલી જેવા વિસ્તારોનો સમાવેશ હતો.

આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઉચ્ચ નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં લગભગ ૮૦ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

પાકિસ્તાને ઓપરેશન સિંદૂરને "યુદ્ધનું કૃત્ય" ગણાવીને જવાબી કાર્યવાહીની ધમકી આપી છે. પાકિસ્તાનના આંતર-સેવા જનસંપર્ક (આઈએસપીઆર)ના ડિરેક્ટર જનરલે જણાવ્યું કે, ભારતના હુમલાઓનો જવાબ "સમય અને સ્થળની પસંદગી" સાથે આપવામાં આવશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની સેનાએ બે ભારતીય વિમાનોને નષ્ટ કર્યા છે, પરંતુ ભારતીય સંરક્ષણ સૂત્રોએ આ દાવાને નકારી કાઢ્યો છે,.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ હુમલાઓ ફક્ત આતંકવાદી ઠેકાણાં પર જ કેન્દ્રિત હતા અને પાકિસ્તાનના કોઈ નાગરિક, આર્થિક કે સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા નથી. હુમલા ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી જ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે હુમલા બાદ અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા અને રશિયાના સમકક્ષો સાથે વાતચીત કરી અને ઓપરેશનની માહિતી આપી હતી.

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક લોકોએ "ભારતીય સેના જિંદાબાદ" અને "ભારત માતા કી જય"ના નારા લગાવીને ઓપરેશનનું સમર્થન કર્યું છે. રાજનાથ સિંહે એક્સ ડિજિટલ મીડિયા ઉપર "ભારત માતા કી જય" લખીને ઓપરેશનને બિરદાવ્યું, જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ હુમલાનો વીડિયો શેર કર્યો.

ભારતે પાકિસ્તાન સાથેની સરહદ પર તમામ હવાઈ સંરક્ષણ એકમોને સંપૂર્ણ રીતે સક્રિય કર્યા છે, કારણ કે પાકિસ્તાને હુમલા બાદ ભીંબેર ગલીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ આનો "સંયમિત" જવાબ આપ્યો છે.

ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને રાજ્ય સરકારે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતાં જણાવ્યું કે, "ભારતની સેના આતંકવાદનો નાશ કરવા સક્ષમ છે."

દરમિયાન રાજકોટ જામનગર અને ભુજની એર ઇન્ડિયાની ફ્લાઈટો રદ કરવામાં આવી છે.

વધુ વિગતો માટે આજે સવારે ૧૦:૦૦ વાગ્યે ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગનું જીવંત પ્રસારણ જોઈ શકાય છે.

(9:33 AM IST)