News of Tuesday, 6th May 2025
પાકિસ્તાનને મુસ્લિમ દેશોનું પીઠબળ : ભારતનો જોરદાર વળતો પ્રહાર : આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ
પહલગામ હુમલા બાદ ઓઆઈસી દ્વારા ભારત વિરુદ્ધ નિવેદન : ભારતે પાકિસ્તાનને જૂઠ ફેલાવવાનું અને મુસ્લિમ સંગઠનનો દુરૂપયોગ કરવાનું જણાવ્યું

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, ૫૭ મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)એ પાકિસ્તાનને સમર્થન આપતા ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. ઓઆઈસીએ નિવેદન જારી કરીને ભારતના પાકિસ્તાન વિરુદ્ધના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, જેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે ઓઆઈસીના નિવેદનને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે.
ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ખોટું પ્રચાર કરવા માટે મુસ્લિમ દેશોના આ સંગઠનનો ઉપયોગ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાનના ગેરમાર્ગે દોરવાના કારણે ઓઆઈસીએ ભારત વિરુદ્ધ એક તર્કહીન નિવેદન બહાર પાડ્યું છે. તેમના નિવેદનમાં આતંકવાદી હુમલાની સત્યતાને સ્વીકારવામાં આવી નથી અને પાકિસ્તાનની સરહદ પારથી થતી ગતિવિધિઓને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી. ભારતનું કહેવું છે કે પાકિસ્તાન સરહદ પારથી સતત આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને હવે ઓઆઈસીને ગેરમાર્ગે દોરી રહ્યું છે. ભારતે ઓઆઈસીના આ વલણને તેની આંતરિક બાબતોમાં સીધી દખલગીરી ગણાવી છે અને તેને સહન નહીં કરવામાં આવે તેમ જણાવ્યું છે. ભારતે આવા પક્ષપાતી અને સ્વાર્થી નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાકિસ્તાને ઓઆઈસીને દક્ષિણ એશિયાની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી અને ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને દેશની શાંતિ માટે 'ગંભીર ખતરો' ગણાવી હતી. સોમવારે ન્યૂયોર્કથી જારી કરાયેલા એક નિવેદનમાં ઓઆઈસીએ દક્ષિણ એશિયામાં સુરક્ષાની સ્થિતિને ચિંતાજનક ગણાવી હતી અને ભારત દ્વારા પાકિસ્તાન પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને કારણે તણાવ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ઓઆઈસીએ પોતાના નિવેદનમાં આતંકવાદની ટીકા કરી હતી, પરંતુ પહલગામ હુમલા માટે જવાબદાર લોકોનું નામ લેવાનું ટાળ્યું હતું, જેનાથી ભારતને સ્પષ્ટ સંકેત મળ્યો હતો કે આ નિવેદન પાકિસ્તાનના પ્રભાવ હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઓઆઈસીના રાજદૂતોએ પાકિસ્તાન અને તેની જનતા સાથે એકતા અને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે. તેમણે વ્યૂહાત્મક વાતચીત દ્વારા તણાવ ઓછો કરવા અને ક્ષેત્રીય તણાવના મૂળ કારણોને શોધવા માટે અપીલ કરી છે. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે. જો કે, ઓઆઈસીના પ્રસ્તાવના આધારે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતોએ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરી હતી અને કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. પાકિસ્તાનના નેતાઓનું કહેવું છે કે પાકિસ્તાન એકજૂટ છે અને પોતાના સશસ્ત્ર દળોની સાથે ઊભું છે, જે કોઈપણ જોખમ અથવા આક્રમકતાનો જવાબ આપવા માટે સક્ષમ છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
